Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતોનું ગીત 8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પ્રિયતમા

1 અરે, જો તું મારી માના થાનને ધાવેલા મારા ભાઈ જેવો હોત તો કેવું સારું! ત્યારે તો તું મને બહાર મળત, અને હું તને ચુંબન કરત; તેમ છતાં પણ કોઈ મને બહાર તુચ્છકારત નહિ.

2 હું તને દોરીને મારી માના ઘરમાં લાવત કે, તું મને શીખવત; હું તને મસાલેદાર દ્રાક્ષારસ [તથા] મારા દાડમનો રસ પાત.

3 તેનો ડાબો હાથ મારા માથા નીચે હોત, અને તેનો જમણો હાથ મને આલિંગન દેતો હોત.

4 હે યરુશાલેમની પુત્રીઓ, હું તમને સોગન દઉં છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે તેને ઢંઢોળીને ઉઠાડશો નહિ કે, જગાડશો નહિ.


છઠ્ઠું ગીત સ્ત્રીઓ

5 પોતાના પ્રીતમ પર ટેકીને રાનમાંથી આ કોણ આવે છે? મેં તને સફરજનવૃક્ષ તળે જગાડી; ત્યાં તારી મા તને જન્મ આપતાં કષ્ટાતી હતી, ત્યાં તારી જનેતાને પ્રસવવેદના થતી હતી.


પ્રીતમ

6 મને તારા હ્રદય પર મુદ્રા તરીકે, અને તારા હાથ પર વીંટી તરીકે બેસાડ; કેમ કે પ્રેમ મોત સમાન બળવાન છે; ઈર્ષા શેઓલ જેવી ક્રૂર છે; તેના ચમકારા અગ્નિના ચમકારા જેવા છે, તે ખુદ યહોવાનો ભડકો [છે].

7 ઘણાં પાણી પ્યારને હોલવી શકે નહિ, રેલ તેને ડુબાડી શકે નહિ: જો પ્રેમને માટે કોઈ માણસ પોતાની ઘરની બધી સંપત્તિ આપી દે, તોપણ એ બધી તદ્દન તુચ્છ ગણાય.


પ્રિયતમાના ભાઈઓ

8 અમારે એક નાની બહેન છે, તેને સ્તન પણ [ઉપસ્યાં] નથી; જે દિવસે અમારી બહેનનું માગું આવશે, ત્યારે અમે તેને માટે શું કરીશું?

9 જો તે કોટ હોય, તો અમે તેના પર રૂપાનો મોરચો બાંધીએ; જો તે દરવાજો હોય, તો અમે એરેજવૃક્ષનાં પાટિયાંથી તેને ઢાંકી દઈએ.


પ્રિયતમા

10 હું કોટ છું, ને મારાં સ્તન [તેના] બુરજો જેવાં છે; જેને શાંતિ પ્રાપ્ત થઈ હોય તેના જેવી હું તેની નજરમાં હતી.

11 સુલેમાનને બઆલ-હામોનમાં એક દ્રાક્ષાવાડી હતી; તેણે તે દ્રાક્ષાવાડી રખેવાળોને ભાડે આપી; તેના ફળને માટે દરેકને એક હજાર રૂપિયા લાવી આપવાના હતા.

12 મારી દ્રાક્ષાવાડી જે મારી માલિકીની છે, તે મારી સમક્ષ છે; હે સુલેમાન, એ હજાર તો તને મળશે, અને તેના ફળની રખેવાળી કરનારને બસેં [મળશે].

13 હે બાગવાસી, સખીઓ તારો સાદ સાંભળવા ધ્યાન દઈને તાકી રહી છે; મને તે સંભળાવ.

14 ઓ મારા પ્રીતમ, ઉતાવળ કર, સુગંધી દ્રવ્યોના પર્વત પર હરણ કે સાબરીના બચ્ચા જેવો થા.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan