ગીતોનું ગીત 7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હે રાજકુમારી ચંપલોમાં તારા પગ કેવા સુંદર છે! તારી જાંઘોના વળાંક નિપુણ કારીગરે જડેલા જવાહિર જેવા છે. 2 જેમાં મિશ્રિત દ્રાક્ષારસની કદી અછત હોતી નથી; એવા ગોળ પ્યાલા સરખી તારી નાભી છે. તારું પેટ ગુલછડીથી શણગારેલી ઘઉંની ઢગલીના જેવું છે; 3 તારાં બે સ્તન એક સાબરીનાં જોડિયાં બચ્ચાંના જેવાં છે. 4 તારી ડોકી જાણે હાથીદાંતનો મિનાર જોઈ લો; તારી આંખો હેશ્બોનમાં બાથ- રાબ્બીમના દરવાજા પાસેના કુંડ જેવી છે; તારું નાક દમસ્કસ તરફ ઢળતા લબાનોનના બૂરજ સરખું છે. 5 તારા દેહ પર તારું શિર કાર્મેલ [પર્વત] જેવું, તારા શિરના કેશ જાંબુઆ રંગના છે; રાજા તેની લટોમાં બંદીવાન તરીકે જકડાઈ રહ્યો છે. 6 હે પ્રિયતમા, તું કેવી ખૂબસૂરત તથા વિનોદ કરવા લાયક અને આનંદકારક છે! 7 આ તારું કદ ખજૂરીના જેવું છે, ને તારાં સ્તન [દ્રાક્ષાની] લૂમો જેવાં છે. 8 મેં કહ્યું, હું ખજૂરી ઉપર ચઢીશ, હું તેની ડાળીઓ પકડીશ; તારાં સ્તન દ્રાક્ષાવેલાની લૂમો જેવાં થાય, અને તારા શ્વાસની સુગંધ સફરજન જેવી થાય; પ્રિયતમા 9 અને તારું મુખ ઉત્તમ દ્રાક્ષારસ જેવું થાય કે, જે [દ્રાક્ષારસ] મારા પ્રીતમને માટે છે, અને જે ઊંઘનારાના હોઠોમાં થઈને સરળતાથી પેટમાં ઊતરી જાય છે. 10 હું મારા પ્રીતમની છું, અને તેનો મારા પર પ્રેમ છે. 11 હે મારા પ્રીતમ, ચાલ, આપણે જંગલમાં ચાલ્યાં જઈએ; આપણે ગામડાંમાં ઉતારો કરીએ. 12 આપણે વહેલાં ઊઠીને દ્રાક્ષાવાડીઓમાં જઈએ; દ્રાક્ષાવેલાને મોર આવ્યો છે ને તેનાં ફૂલ ખોલ્યાં છે કે નહિ, ને દાડમડીઓ મહોરી છે કે નહિ, તે આપણે જોઈએ; ત્યાં હું તને મારા પ્રેમનો અનુભવ કરાવીશ. 13 વેંગણીઓ બહેકી રહી છે, અને આપણાં બારણાં પાસે સર્વ પ્રકારનાં નવાં તથા જૂનાં ફળ છે, જે, હે મારા પ્રીતમ, મેં તારે માટે સંઘરી રાખ્યાં છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India