ગીતોનું ગીત 6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હે સ્ત્રીઓમાં સર્વોત્તમ સુંદરી, તારો પ્રીતમ કઈ તરફ ગયો છે? તારો પ્રીતમ કઈ તરફ વળ્યો છે? [અમને કહે] કે અમે તારી સાથે તેને શોધીએ. પ્રિયતમા 2 મારો પ્રીતમ પોતાના બાગમાં, સુગંધીઓના કયારામાં, બાગોમાં મિજબાની કરવા તથા ગુલછડીઓ વીણવા ગયો છે. 3 હું મારા પ્રીતમની છું અને મારો પ્રીતમ મારો જ છે; તે ગુલછડીઓમાં [પોતાનું ટોળું] ચારે છે. પાંચમું ગીત પ્રીતમ 4 હે મારી પ્રિયતમા, તું તિર્સા જેવી સુંદર, યરુશાલેમ જેવી ખૂબસૂરત, અને ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયંકર છે! 5 તારાં નેત્ર મારી તરફથી ફેરવી લે, કેમ કે તેઓએ મારો પરાજય કર્યો છે. ગિલ્યાદની ઢોળાવે ઊતરતાં બકરાંના ટોળા જેવા તારા કેશ છે. 6 ધોવાઈને બહાર નીકળેલી ઘેટીઓના ટોળા જેવા તારા દાંત છે કે, જેઓમાંની દરેક બબ્બે બચ્ચાં જણે છે, અને તેઓમાંની એકે વાંઝ નથી. 7 તારા બુરખા પાછળ તારા ગાલ દાડમની ફાડ જેવાં છે. 8 રાણીઓ તો સાઠ છે, અને ઉપપત્નીઓ તો એંસી છે, અને [બીજી] કુમારિકાઓ તો અસંખ્ય છે. 9 [પણ] મારી હોલી, મારી સર્વાંગ સુંદરી, તો એક જ છે! તે પોતાની માની એકનીએક છે; તે પોતાની જનેતાની માનીતી છે. પુત્રીઓએ તેને જોઈને કહ્યું, ‘તને ધન્ય છે!’ હા, રાણીઓએ તથા ઉપપત્નીઓએ તેને [જોઈને] તેની પ્રશંસા કરી. 10 પ્રભાતના જેવી પ્રકાશિત કાંતિવાળી, ચંદ્ર જેવી સુંદર, સૂર્ય જેવી ડાઘ વગર ઝળહળતી, ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયંકર, એ કોણ છે? 11 ખીણના હરિયાળા છોડ જોવા, દ્રાક્ષાવેલાને કળીઓ ફૂટે છે કે કેમ [તથા] દાડમડીઓ મહોરી છે કે કેમ, તે જોવાને હું સોપારીના બાગમાં ગયો. 12 મને ખબર પડી તે પહેલાં તો મારા આત્માએ મને રાજવંશી લોકોના રથોમાં બેસાડયો. સ્ત્રીઓ 13 પાછી આવ, પાછી આવ, હે શૂલ્લામી; પાછી આવ, પાછી આવ કે, અમે તને નીરખીએ. માહનાઈમનો નાચ [જુઓ] તેમ તમે શૂલ્લામીને કેમ જુઓ છો? |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India