ગીતોનું ગીત 4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પ્રીતમ 1 પ્રિયતમા, તું સુંદર છે; તું મનોહર છે; તારા બુરખાની પાછળ તારી આંખો કપોતના જેવી છે; તારા કેશ ગિલ્યાદ પર્વતની ઢોળાવે ઊતરતાં બકરાંના ટોળા જેવા છે. 2 તારાં દાંત [તરત] કોતરેલી તથા ધોવાઈને [પાણીમાંથી] બહાર નીકળેલી [ઘેટીઓ] ના ટોળા જેવા છે કે, જેઓમાંની દરેક બબ્બે બચ્ચાં જણે છે, અને તેઓમાંની એકે વાંઝ નથી. 3 તારા હોઠ કીરમની દોરા જેવા છે, તારું મુખ ખૂબસૂરત છે. તારા બુરખાની પાછળ તારા ગાલ દાડમની ફાડ જેવાં છે. 4 શસ્ત્રગૃહ થવા માટે બાંધેલો દાઉદનો બૂરજ, જેમાં હજારો ઢાલો એટલે યોદ્ધાઓની સર્વ ઢાલો, લટકાવેલી છે, તેના જેવી ઘાટીલી તારી ગરદન છે. 5 સાબરીનાં જોડ બચ્ચાં ગુલછડીઓમાં ચરતાં હોય, તેવાં તારાં બે સ્તન છે. 6 પ્રભાત થાય, અને અંધકાર લોપ થાય ત્યાં સુધી, હું બોળના પર્વત પર તથા લબાનોનના ડુંગર પર જઈશ. 7 મારી પ્રિયતમા, તું અતિ સુંદર છે; તારામાં એક પણ ડાઘ નથી. 8 હે [મારી] નવોઢા, લબાનોનથી મારી સાથે, લબાનોનથી મારી સાથે આવ; આમાનાહના શિખર પરથી, સનીર તથા હેર્મોનના શિખર પરથી, સિંહોનાં બીલો આગળથી, તેમ જ ચિત્તાઓના પર્વતો પરથી જો. 9 હે મારી પ્રાણપ્રિયા, [મારી] નવોઢા, તેં મારું મન મોહિત કર્યું છે; તારા એક જ નયનબાણથી, તારા એક કંઠમણિથી જ તેં મારું મન મોહિ લીધું છે. 10 હે મારી પ્રાણપ્રિયા, [મારી] નવોઢા, તારો પ્યાર દ્રાક્ષારસ કરતાં, ને તારા અત્તરની સુવાસ સર્વ પ્રકારનાં સુગંધીદ્રવ્યો કરતાં કેટલી બધી ઉત્તમ છે! 11 હે નવોઢા, મધપૂડાની માફક તારા હોઠમાંથી [મીઠાશ] ટપકે છે: તારી જીભ નીચે મધ તથા દૂધ છે; અને તારાં વસ્ત્રોની સુગંધ લબાનોનની સુગંધ જેવી છે. 12 મારી પ્રાણપ્રિયા, [મારી] નવોઢા, પ્રવેશ બંધ વાટિકા, બંધ રખાયેલો કૂવો તથા અકબંધ ઝરો, એઓના જેવી તું છે. 13 તારી મોહિનીઓ જાણે કે દાડમડીઓનો બગીચો છે કે, જેને મૂલ્યવાન ફળો લાગેલાં છે; જેમાં મેંદી અને જટામાંસીના છોડ છે. 14 જટામાંસી, કેશર, સુગંધી બરુ, તજ, લોબાનનાં સર્વ ઝાડ; બોળ, અગર તથા સર્વ મુખ્ય સુગંધીદ્રવ્યો છે. 15 [તું] બાગમાંના ફૂવારા શી, જીવંતજળના કૂવા શી, તથા લબાનોનથી વહી આવતા ઝરાઓ શી [છે]. પ્રિયતમા 16 હે ઉત્તરના વાયુ, તું જાગૃત થા; હે દક્ષિણ [ના વાયુ] , તું આવ; મારા બાગ પર વા કે, તેની સુગંધીઓનો પ્રવાહ ચાલે. મારો પ્રીતમ પોતાના બગીચામાં આવે, અને પોતાનાં મૂલ્યવાન ફળો ખાય. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India