ગીતોનું ગીત 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 મેં રાત્રે મારા પલંગમાં મારા પ્રાણપ્રિયને ખોળ્યો; મેં તેને શોધ્યો, પણ તે મને મળ્યો નહિ. 2 [મેં કહ્યું,] હું તો અત્યારે ઊઠીને નગરમાં, ગલીઓમાં તથા સરિયામ રસ્તાઓમાં ફરીને મારા પ્રાણપ્રિયને શોધીશ; મેં તેને શોધ્યો, પણ તે મને મળ્યો નહિ. 3 નગરમાં રોન ફરતા ચોકીદારોનો મને ભેટો થયો; [તેઓને મેં પૂછયું,] મારા પ્રાણપ્રિયને તમે જોયો? 4 તેમનાથી ફકત થોડે જ છેટે હું ગઈ, એટલે મારો પ્રાણપ્રિય મને મળી ગયો; જ્યાં સુધી હું તેને મારી માના ઘરમાં, મારી જનેતાના ઓરડામાં લાવી, ત્યાં સુધી મેં તેને પકડી રાખ્યો, અને છોડયો નહિ. 5 હે યરુશાલેમની પુત્રીઓ, હું તમને હરણીઓના તથા જંગલની સાબરીઓના સોગન દઈને વિનવું છું, કે તેની મરજી થાય ત્યાં સુધી તમે મારા પ્રીતમને ઢંઢોળીને ઊઠાડસો નહિ કે જગાડશો નહિ. ત્રીજું ગીત પ્રિયતમા 6 ધુમાડાના સ્તંભો જેવો, અને બોળ, લોબાન તથા વેપારીઓનાં સર્વ [સુગંધી દ્રવ્યો] થી મહેંકતો, આ વગડાની વાટે આવતો દેખાય છે તે કોણ છે? 7 જુઓ, એ તો સુલેમાનની પાલખી છે; ઇઝરાયલના યોદ્ધાઓમાંના સાઠ યોદ્ધાઓ તેના અંગરક્ષક છે. 8 તેઓ સર્વ તરવરિયા [તથા] યુદ્ધમાં કુશળ છે; રાત્રે ભયના કારણથી તે પ્રત્યેક માણસની તરવાર તેની કમરે હોય છે.લ 9 સુલેમાન રાજાએ પોતાને માટે લબાનોનના લાકડાની પાલખી બનાવી. 10 તેણે તેના સ્તંભ રૂપાના, તેનું તળિયું સોનાનું, અને તેનું આસન જાંબુઆ રંગનું બનાવ્યું; તેમાં યરુશાલેમની પુત્રિઓએ પ્યારથી ચિત્રવિચિત્ર ભરત ભરેલું હતું. 11 હે સિયોનની પુત્રીઓ, નીકળી આવો, અને સુલેમાન રાજાના મનના ઉમંગને દિવસે, એટલે તેના લગ્નદિને જે મુગટ તેની માએ તેને પહેરાવ્યો છે તે મુગટસહિત, તેને નિહાળો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India