ગીતોનું ગીત 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પહેલું ગીત પ્રિયતમા જે સુલેમાનનું છે તે ગીતોનું ગીત. 2 તે પોતાના મુખનાં ચુંબનોથી મને ચુંબન દે; કેમ કે તારો પ્રેમ દ્રાક્ષારસ કરતાં ઉત્તમ છે. 3 તારા અત્તરની સુગંધ સારી છે; તારું નામ ચોળાયેલા અત્તર જેવું છે; માટે કુમારિકાઓ તને ચાહે છે. 4 મારું આકર્ષણ કર; અમે તારી પાછળ દોડીશું; રાજા મને પોતાના ઓરડામાં લાવ્યો છે; અમે તારામાં મગ્ન થઈશું તથા આનંદ કરીશું, દ્રાક્ષારસ કરતાં તારા પ્રેમનાં અમે અધિક વખાણ કરીશું: તેઓ તને ચાહે છે તે વાજબી છે. 5 હે યરુશાલેમની પુત્રીઓ, કેદારના તંબુઓની માફક હું શ્યામ [તથા] સુલેમાનના પડદાઓની માફક સુંદર છું. 6 હું શામળી છું, ને તડકે મને બાળી નાખી છે, તે માટે મને જોશો નહિ. મારી માના દીકરા મારા પર ક્રોધાયમાન થયા, તેઓએ મને દ્રાક્ષાવાડીઓની રખેવાળ ઠરાવી; પણ મેં મારી પોતાની દ્રાક્ષાવાડી સંભાળી નથી. 7 હે પ્રાણપ્યારા, તું [તારાં ટોળાં] ક્યાં ચારે છે, [ને] તેમને બપોરે ક્યાં વિસામો લેવડાવે છે, તે મને કહે; કેમ કે તારા સોબતીઓનાં ટોળાની સાથે બુરખાવાળીના જેવી હું શા માટે થાઉં? પ્રીતમ 8 હે સ્ત્રીઓમાં સૌથી સુંદર સ્ત્રી, તું અજાણી હોય તો ટોળાને પગલે પગલે ચાલી જા, અને તારાં લવારાં ભરવાડોના તંબુઓ પાસે ચાર. 9 હે મારી પ્રિયતમા, મેં ફારુનના રથોની ઘોડી સાથે તને સરખાવી છે. 10 તારા ગાલ વેણીઓથી, અને તારી ગરદન રત્નજડિત હારોથી દીપી રહી છે. 11 અમે તારે માટે રૂપાનાં બોરિયાંવાળી સોનાની સાંકળીઓ કરાવીશું. પ્રિયતમા 12 પ્રિયતમા રાજા પોતાના દિવાનખાનામાં બેઠો હતો તે વખતે મારી સુગંધી મહેંક મહેંક થઈ રહી હતી, 13 મારો પ્રીતમ મારાં સ્તનોની વચમાં રાખેલી બોળની કોથળી જેવો મને લાગે છે. 14 મારો પ્રીતમ એન-ગેદની દ્રાક્ષાવાડીઓમાં મેંદીના ફૂલના ગુચ્છા જેવો મને લાગે છે. પ્રીતમ 15 મારી પ્રિયતમ, તું સુંદર છે; તું મનોહર છે; તારી આંખો હોલાના જેવી છે. પ્રિયતમા 16 મારા પ્રીતમ, તું સુંદર છે, તું મનોહર છે; વળી આપણો પલંગ લીલોતરીનો છે. 17 એરેજવૃક્ષો એ આપણા ઘરના મોભ છે, અને દેવદારવૃક્ષો એ આપણી વળીઓ છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India