Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

રૂથ 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


રૂથને પતિ મળ્યો

1 તેની સાસુ નાઓમીએ તેને કહ્યું, “મારી પુત્રી, તારું ભલું થાય માટે હું તારે માટે કોઈ સારું ઘર ન શોધું શું?

2 જેની યુવતીઓની સાથે તું હતી, તે બોઆઝ આપણો સગો નથી શું? જો, તે આજે રાત્રે ખળીમાં જવ ઊપણે છે.

3 માટે તું નાહીધોઈને અત્તર ચોળીને તથા સારાં વસ્‍ત્ર પહેરીને ખળીમાં જા; પણ તે માણસ ખાઈપી ન રહે ત્યાં સુધી તું તેની નજરે પડીશ નહિ.

4 અને એમ થાય કે તે સૂઈ જાય, ત્યારે જે જગાએ તે સૂએ તે ધ્યાનમાં રાખજે, ને [બીછાનાની] અંદર જઈને તેના પગ ઉઘાડા કરીને સૂઈ જજે; એટલે તારે શું કરવું તે તને તે કહેશે.”

5 ત્યારે તેણે તેને કહ્યું, “જે તું કહે છે તે સર્વ હું કરીશ.”

6 પછી તે ખળીએ ગઈ, ને તેની સાસુએ તેને જે ફરમાવ્યું હતું તે સર્વ પ્રમાણે તેણે કર્યું.

7 બોઆઝ ખાઈપી રહ્યો, ને તેનું મન મગ્ન થયું; એટલે અનાજના ઢગલાની બાજુએ જઈને તે સૂતો; ત્યારે તે ધીમેથી આવીને તેના પગ ઉઘાડા કરીને સૂઈ ગઈ.

8 મધરાત્રે એમ થયું કે તે માણસ ચમકી ઊઠ્યો, ને તેણે પાસુ ફેરવ્યું, તો તેના પગ આગળ એક સ્‍ત્રી સૂતેલી [હતી].

9 તેણે પૂછ્યું, “તું કોણ છે?” ત્યારે તેણે ઉત્તર આપ્યો, “હું તમારી દાસી રૂથ છું, તમારો છેડો લંબાવીને આ તમારી દાસી પર ઓઢાડો, કેમ કે તમે નજીકના સગા છો.”

10 ત્યારે તેણે કહ્યું, “મારી દીકરી, તું યહોવાથી આશીર્વાદિત હો! પ્રથમના કરતાં છેવટે તેં અધિક માયા બતાવી છે, કેમ કે ગરીબ કે તવંગર જુવાનિયાની પાછળ તું ગઈ નહિ.

11 તો હવે, મારી દીકરી, બીશ નહિ, તું કહે છે તે બધું તારા સંબંધમાં હું કરીશ, કેમ કે મારા નગરના તમામ લોકો જાણે છે, કે તું સદગુણી સ્‍ત્રી છે.

12 હવે હું નજીકનો સગો છું એ તો ખરું; તથાપિ મારા કરતાંય વધારે નજીકનો એક સગો છે.

13 આજની રાત થોભી જા, ને સવારમાં એમ થશે કે જો તે સગા તરીકે પોતાની ફરજ તારા પ્રત્યે અદા કરવા ઇચ્છતો હશે તો ઠીક, સગા તરીકેની પોતાની ફરજ બજાવવા ઇચ્છતો નહિ હોય, તો હું જીવતા યહોવાની પ્રતિજ્ઞા લઉં છું કે, તારા પ્રત્યે સગા તરીકેની ફરજ હું બજાવીશ; સવાર સુધી સૂઈ રહે.”

14 અને સવાર સુધી તેના પગ આગળ તે સૂઈ રહી, અને મળસકું થતાં પહેલાં તે ઊઠી ગઈ, કેમ કે તેણે કહ્યું, “ખળીમાં કોઈ સ્‍ત્રી આવી હતી, તેની કોઈને ખબર ન પડે.”

15 બોઆઝે કહ્યું, “તારા અંગ પરનું ઓઢણું લાવીને તે પહોળું કર.” ત્યારે તેણે તે પહોળું કર્યું, એટલે તેણે છ માપ જવ [તેમાં બાંધીને] તેને માથે ચઢાવ્યા. પછી તે નગરમાં ગઈ.

16 તે પોતાની સાસુ પાસે આવી ત્યારે તેણે તેને પુછ્યું, “મારી પુત્રી, કેમ, ત્યાં શું થયું?” ત્યારે પેલા માણસે તેને જે જે કર્યું હતું તે સર્વ તેણે તેને કહ્યું.

17 વળી તેણે કહ્યું, “તેણે આ છ [માપ] જવ મને આપ્યા, કેમ કે તેણે કહ્યું કે, તારી સાસુ પાસે ખાલી હાથે ન જા.”

18 ત્યારે તેણે કહ્યું, “મારી પુત્રી, આ બાબતનું શું પરિણામ આવશે તે જાણતાં સુધી, તું છાનીમાની બેસી રહે; કેમ કે એ કામ આજે પૂરું કર્યા વિના તે માણસ જંપવાનો નથી.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan