Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

રૂથ 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


અલીમેલેખ અને કુટુંબ મોઆબ જાય છે

1 હવે ન્યાયાધીશો ન્યાય કરતા હતા તે વખતે એવું બન્યું કે દેશમાં દુકાળ પડ્યો. એથી બેથલેહેમ-યહૂદિયાનો એક માણસ તેની પત્ની તથા તેના પુત્રોને લઈને મોઆબ દેશમાં જઈ વસ્યો.

2 તે માણસનું નામ અલીમેલેખ, તેની પત્નીનું નામ નાઓમી, ને તેના બે પુત્રોનાં નામ માહલોન તથા કિલ્યોન હતાં. તેઓ બેથલેહેમ-યહૂદિયાનાં એફ્રાથીઓ [હતાં]. તેઓ મોઆબ દેશમાં આવીને ત્યાં રહ્યાં હતાં.

3 હવે નાઓમીનો પતિ અલીમેલેખ તે બાઈને તથા તેના બે પુત્રોને મૂકીને મરણ પામ્યો.

4 અને તે [પુત્રો] મોઆબી સ્‍ત્રીઓની સાથે પરણ્યા, તેમાંની એકનું નામ ઓરપા, ને બીજીનું નામ રૂથ હતું, તેઓ ત્યાં આશરે દશ વર્ષ રહ્યાં.

5 પછી માહલોન તથા કિલ્યોન બન્‍ને મરણ પામ્યા. એમ નાઓમી ને તેના બે પુત્રો તથા તેનો પતિ [એકલી] મૂકી ગયા.


નાઓમી અને રૂથ પાછાં બેથલેહેમમાં

6 આથી તે પોતાની પુત્રવધૂઓની સાથે મોઆબ દેશમાંથી પાછી [પોતાના વતન] જવા માટે તૈયાર થઈ; કેમ કે તેણે મોઆબ દેશમાં સાંભળ્યું હતું કે, યહોવાએ પોતાના લોકોની ખબર લીધી છે, એટલે કે તેઓને અન્‍ન આપ્યું છે.

7 જે જગ્યાએ તે રહેતી હતી ત્યાંથી તે તથા તેની સાથે તેની બે પુત્રવધૂઓ ચાલી નીકળી, અને તેઓ યહૂદિયા દેશમાં પાછી જવા માટે રસ્તે પડી.

8 નાઓમીએ પોતાની બે પુત્રવધુઓને કહ્યું, “તમે પોતપોતાને પિયર પાછી જાઓ. જેમ તમે મરનારાઓ ઉપર તથા મારા પર દયા રાખી છે, તેમ યહોવા તમારા પર દયા રાખો.

9 યહોવા કરે ને તમે [પરણોને] પોતપોતાના પતિના ઘરમાં એશઆરામ ભોગવો.” પછી તેણે તેઓને ચુંબન કર્યું, અને તેઓ પોક મૂકીને રડી પડી.

10 તેઓએ તેને કહ્યું, “એમ નહિ બને. અમે તો તમારી સાથે તમારા લોકો મધ્યે પાછી આવીશું.”

11 ત્યારે નાઓમીએ કહ્યું, “મારી પુત્રીઓ, પાછી વળો. તમે મારી સાથે કેમ આવવા માગો છો? શું હજી મને પુત્રો થવાના છે કે, તેઓ તમારા પતિ થાય?

12 મારી પુત્રીઓ, પાછી વળીને ચાલી જાઓ; કેમ કે હું એટલી બધી વૃદ્ધ થઈ ગઈ છું કે મારાથી ફરી પતિ કરાય નહિ. જો હું કહું કે મને આશા છે, જો હું આજે રાતે જ પતિ કરું ને વળી મારે પેટે પુત્રનો પ્રસવ થાય.

13 તોપણ શું તેઓ પુખ્ત ઉંમરના થાય ત્યાં સુધી તમે રાહ જોશો? તો શું તમે પતિ કર્યા વગર રહેશો? ના, મારી પુત્રીઓ! કેમ કે તમારી ખાતર મને ઘણું દુ:ખ થાય છે, કેમ કે યહોવાનો હાથ મારી વિરુદ્ધ થયો છે.”

14 ત્યારે તેઓ ફરીથી પોક મૂકીને રડી, અને ઓરપાએ પોતાની સાસુને ચુંબન કર્યું; પણ રૂથ તેને વળગી રહી.

15 ત્યારે નાઓમીએ કહ્યું, “જો, તારી દેરાણી પોતાના લોકોની પાસે તથા પોતાના દેવતાની પાસે પાછી ગઈ છે, તું પણ તારી દેરાણીની પાછળ પાછી જા.”

16 ત્યારે રૂથે કહ્યું, “તમને છોડવાની તથા તમારા પાસેથી પાછી જવાની આજીજી મને ન કરો, કેમ જે જ્યાં તમે જાઓ છો ત્યાં જ હું જવાની; અને જ્યાં તમે રહેશો ત્યાંજ હું રહેવાની! તમારા લોકો તે મારા લોકો, ને તમારા ઈશ્વર તે મારા ઈશ્વર થશે.

17 જ્યાં તમે મરશો ત્યાં જ હું મરીશ, ને ત્યાં જ હું દટાઈશ. જો મોત સિવાય બીજું મને તમારાથી જુદી પાડે, તો યહોવા મારું મોત લાવે ને એથી પણ વધારે દુ:ખ આપે.”

18 જ્યારે નાઓમીએ જોયું, કે મારી સાથે આવવાનો તેનો દઢ નિશ્ચય છે, ત્યારે તેણે તેને કહેવાનું મૂકી દીધું.

19 એમ તેઓ બન્‍ને મુસાફરી કરતાં કરતાં બેથલેહેમ પહોંચ્યાં. તેઓ બેથલેહેમ આવ્યાં ત્યારે એમ થયું કે આખા નગરના લોકોને તેની પ્રત્યે દિલસોજી ઉત્પન્‍ન થઈ. અને [ત્યાંની સ્‍ત્રીઓએ] પૂછ્યું, “શું આ નાઓમી છે?”

20 ત્યારે તેણે તેઓને કહ્યું, “મને નાઓમી [એટલે મીઠી] ન કહો, મને તો મારા [એટલે કડવી] કહો; કેમ કે સર્વસમર્થ ઈશ્વરે મારા પર ઘણી સખ્તાઈ ગુજારી છે.

21 અહીંથી હું ભરપૂરપણે, નીકળી હતી, પણ યહોવા મને ખાલી સ્વદેશમાં પાછી લાવ્યા છે. યહોવાએ મારી વિરુદ્ધ સાક્ષી પૂરી છે, ને સર્વસમર્થે મને વિપત્તિમાં મૂકી છે, તો તમે મને નાઓમી કહીને કેમ બોલાવો છે?”

22 એમ નાઓમી તથા તેની સાથે મોઆબ દેશમાંથી આવેલી તેની પુત્રવધૂ રૂથ મોઆબણ પાછી આવી; અને જવની કાપણીની શરૂઆતમાં તેઓ બેથલેહેમમાં આવી.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan