Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

રોમનોને પત્ર 9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈશ્વર અને તેમના પસંદ કરાયેલા લોકો

1 હું ખ્રિસ્તમાં સત્ય બોલું છું, -હું જૂઠું બોલતો નથી, મારું અંત:કરણ પણ પવિત્ર આત્મામાં મારો સાક્ષી છે-કે,

2 મને ભારે શોક તથા મારા અંત:કરણમાં અખંડ વેદના થાય છે.

3 કેમ કે મારા ભાઈઓને બદલે, એટલે દેહ સંબંધી મારાં સગાંવહાલાં [ને બદલે] હું પોતે જ શાપિત થઈને ખ્રિસ્તથી બહિષ્કાર પામેલો થાઉં, એવી જાણે મને ઇચ્છા થાય છે.

4 તેઓ ઇઝરાયલી છે, અને દત્તકપુત્રપણું, મહિમા, કરારો, નિયમશાસ્‍ત્રદાન, ભજનક્રિયા તથા વચનો તેઓનાં જ છે.

5 ધર્મપિતૃઓ તેઓના છે, અને ખ્રિસ્ત દેહ પ્રમાણે તેઓમાંના છે. તે સર્વકાળ સર્વોપરી, સ્તુત્ય ઈશ્વર છે. આમીન.

6 પણ ઈશ્વરની વાત જાણે કે વ્યર્થ ગઈ હોય એમ નથી. કેમ કે જેઓ ઇઝરાયલના [વંશજો] છે તેઓ સર્વ ઇઝરાયલી નથી.

7 તેમ જ તેઓ ઇબ્રાહિમના વંશજો છે તેથી તેઓ સર્વ [તેનાં] છોકરાં છે, એમ પણ નથી! પણ [લખેલું છે કે,] ‘ઇસહાકથી તારો વંશ ગણાશે.’

8 એટલે જેઓ દેહનાં છોકરાં છે, તેઓ ઈશ્વરનાં છોકરાં છે, એમ નહિ; પણ જેઓ વચનનાં છોકરાં છે, તેઓ જ વંશ ગણાય છે.

9 કેમ કે વચન તો આવું છે, “આ સમયે હું આવીશ, અને સારાને દીકરો થશે.”

10 માત્ર એટલું જ નહિ; પરંતુ રિબકાએ પણ એકથી એટલે આપણા પૂર્વજ ઇસહાકથી ગર્ભ ધર્યો,

11 અને [છોકરાઓના] જન્મ્યા પહેલાં જ્યારે તેઓએ હજુ કંઈ પણ સારું કે ભૂંડું કર્યું ન હતું, ત્યારે ઈશ્વરનો સંકલ્પ જે તેમની પસંદગી પ્રમાણે છે તે, કરણીઓ પર નહિ, પણ તેડું કરનારની ઇચ્છા પર આધાર રાખે,

12 માટે તેને કહેવામાં આવ્યું, “વડો નાનાની‍ ચાકરી કરશે.”

13 વળી, એમ પણ લખેલું છે, મેં યાકૂબ પર પ્રેમ રાખ્યો, પણ એસાવનો ધિકકાર કર્યો.’

14 તો આપણે શું અનુમાન કરીએ? શું ઈશ્વરને ત્યાં અન્યાય છે? ના, એવું ન થાઓ.

15 કેમ કે તે મૂસાને કહે છે, “જેના ઉપર હું દયા કરવા [ચાહું] , તેના ઉપર હું દયા કરીશ; અને જેના ઉપર હું કરુણા કરવા [ચાહું] , તેના ઉપર હું કરુણા કરીશ.”

16 માટે એ તો ઇચ્છનારથી નહિ, અને દોડનારથી નહિ, પણ દયા કરનાર ઇશ્વરથી થાય છે.

17 વળી શાસ્‍ત્રવચન ફારુનને કહે છે, “તારા દ્વારા હું મારું સામર્થ્ય બતાવું, અને મારું નામ આખી પૃથ્વી પર પ્રગટ થાય એ કામ માટે મેં તને ઊભો કર્યો છે.”

18 માટે ચાહે તેના પર તે દયા કરે છે, અને ચાહે તેને તે હઠીલો કરે છે.


ઈશ્વરનાં ક્રોધ અને કૃપા

19 તો તું મને પૂછશે, “તેમ છે તો તે દોષ કેમ કાઢે છે? કેમ કે તેમના સંકલ્પને કોણ અટકાવે છે?”

20 પણ અરે માણસ, તું વળી કોણ છે કે ઈશ્વરને સવાલ પૂછે? જે ઘડેલું છે, તે શું પોતાના ઘડનારને પૂછશે, “તમે મને એવું કેમ બનાવ્યું?”

21 શું કુંભારને એકનાએક ગારાના એક ભાગનું ઉત્તમ કાર્યને માટે તથા બીજાનું હલકા કામને માટે પાત્ર ઘડવાને ગારા ઉપર અધિકાર નથી?

22 અને જો ઈશ્વરે પોતાનો કોપ બતાવવાની તથા પોતાનું સામર્થ્ય જણાવવાની ઇચ્છા રાખીને નાશને યોગ્ય થયેલાં કોપનાં પાત્રોનું ઘણી સહનશીલતાથી સહન કર્યું.

23 અને જો મહિમાને માટે આગળ તૈયાર કરેલાં દયાનાં પાત્રો પર,

24 એટલે આપણા પર જેઓને તેમણે કેવળ યહૂદીઓમાંથી નહિ, પણ વિદેશીઓમાંથી પણ તેડયા છે [તેઓ પર] , પોતાના મહિમાની સંપત્તિ જણાવવાની તેમની મરજી હતી તો તેમાં શું [ખોટું] ?

25 વળી, હોશિયામાં પણ તે એમ જ કહે છે, ‘જે મારી પ્રજા નહોતી તેને હું મારી પ્રજા, અને જે વહાલી ન હતી તેને હું વહાલી કહીશ.’

26 અને જે સ્થળે તેઓને એવું કહેવામાં આવ્યું હતું, ‘તમે મારી પ્રજા નથી.’ તે સ્થળે તેઓ જીવતા ઈશ્વરના દીકરા કહેવાશે.

27 વળી, યશાયા ઇઝરાયલ સંબંધી પોકારીને કહે છે, “જો સમુદ્રની રેતીના જેટલી ઇઝરાયલની સંખ્યા હોય તોપણ તેનો શેષ જ તારણ પામશે.

28 કેમ કે પ્રભુ પોતાનું વચન પૂર્ણ કરશે, અને ટૂંકમાં પતાવીને તેને પૃથ્વી પર અમલમાં લાવશે.”

29 એમ જ યશાયાએ આગળ પણ કહ્યું હતું, “જો સૈન્યોના પ્રભુએ આપણે માટે બીજ રહેવા દીધું ન હોત, તો આપણે સદોમ તથા ગમોરાના જેવા થઈ ગયા હોત.”


ઇઝરાયલ અને સુવાર્તા

30 તો આપણે શું અનુમાન કરીએ? એ જ કે વિદેશીઓ ન્યાયીપણાની પાછળ લાગુ રહેતા નહોતા, તોપણ તેઓને ન્યાયીપણું, એટલે જે ન્યાયપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે તે, પ્રાપ્ત થયું.

31 પણ જેથી ન્યાયીપણું પ્રાપ્ત કરી શકાય એવા નિયમની પાછળ લાગુ રહ્યા છતાં ઇઝરાયલ તે નિયમને પહોંચી શક્યા નહિ.

32 શા માટે નહિ? કેમ કે તેઓ વિશ્વાસથી નહિ, પણ જાણે કે [નિયમની] કરણીઓથી [તેને શોધતા હતા] , તેઓએ ઠેસ ખવડાવનાર પથ્થરથી ઠોકર ખાધી.

33 લખેલું છે, “જુઓ, હું સિયોનમાં ઠેસ ખવડાવનાર પથ્થર, ને ઠોકરરૂપ ખડક મૂકું છું. જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan