Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

રોમનોને પત્ર 7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


લગ્નના ઉદાહરણદ્વારા સ્પષ્ટીકરણ

1 વળી, ભાઈઓ, શું તમે નથી જાણતા (નિયમ [શાસ્‍ત્ર] જાણનારા પ્રત્યે હું બોલું છું.) કે માણસ જીવે છે ત્યાં સુધી તેના પર નિયમની સત્તા હોય છે?

2 કેમ કે જે સ્‍ત્રીને પતિ છે, તે પોતાના પતિના જીવતાં સુધી તેની સાથે નિયમથી બંધાયેલી હોય છે, પણ જો તેનો પતિ મરી જાય, તો તે પતિના નિયમથી મુક્ત થાય છે.

3 હવે પતિના જીવતાં જો તે બીજો પતિ કરે, તો તે વ્યભિચારિણી કહેવાશે; પણ જો તેનો પતિ મરી જાય તો તે નિયમથી મુક્ત થાય છે, તેથી જો તે બીજો પતિ કરે તોપણ તે વ્યભિચારણી નથી.

4 એમ જ, મારા ભાઈઓ, તમે પણ ખ્રિસ્તના શરીરદ્વારા નિયમશાસ્‍ત્રના સંબંધમાં મૂએલા થયા છો, જેથી તમે બીજાના, એટલે જે મૂએલાંમાંથી પાછા ઊઠયા છે તેમના થાઓ કે, આપણે ઈશ્વરને અર્થે ફળ ઉત્પન્‍ન કરીએ.

5 કેમ કે જ્યારે આપણે દૈહિક હતા ત્યારે નિયમશાસ્‍ત્ર દ્વારા પાપવાસનાઓ આપણા અવયવોમાં મરણને માટે ફળ ઉત્પન્‍ન કરવાને પ્રયત્ન કરતી હતી.

6 પણ આપણે જે બાબતમાં બંધાયા હતા તે બાબતમાં મરણ પામ્યાથી હમણાં આપણે નિયમશાસ્‍ત્રથી મુક્ત થયા છીએ. એ માટે નિયમશાસ્‍ત્રની જૂની પદ્ધતિ પ્રમાણે નહિ, પણ આત્માને અનુસરનારી નવીન પદ્ધતિ પ્રમાણે સેવા કરીએ.


નિયમશાસ્‍ત્ર અને પાપ

7 ત્યારે આપણે શું કહીએ? શું નિયમ પાપરૂપ છે? ના, કદી નહિ. પરંતુ નિયમ વગર મેં પાપ જાણ્યું ન હોત; કેમ કે જો નિયમશાસ્‍ત્રે કહ્યું ન હોત; કે ‘લોભ ન‍‍ રાખ, ’ તો મેં લોભ જાણ્યો ન હોત.

8 પણ પાપે, પ્રસંગ મળવાથી, આજ્ઞા વડે મારામાં સર્વ પ્રકારનો લોભ ઉત્પન્‍ન કર્યો; કેમ કે નિયમ વિના પાપ નિર્જીવ છે.

9 હું તો અગાઉ નિયમ વિના જીવતો હતો, પણ આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું, અને હું મરી ગયો.

10 એટલે જે આજ્ઞા જીવનને અર્થે [છે એવું] મને માલૂમ પડયું.

11 કેમ કે, પાપે, પ્રસંગ મળતાં, આજ્ઞા વડે મને ઠગ્યો, અને તે વડે મને મારી નાખ્યો.

12 માટે નિયમશાસ્‍ત્ર તો પવિત્ર છે, અને આજ્ઞા પવિત્ર, ન્યાયી તથા હિતકારક છે.

13 ત્યારે શું જે હિતકારક છે તે મને મૃત્યુકારક થયું? ના, કદી નહિ. પણ પાપ તે પાપ જ દેખાય, અને આજ્ઞા વડે પાપ તે અતિશય પાપિષ્ટ થાય, એ માટે જે હિતકારક છે તેને લીધે તેણે મારું મરણ નિપજાવ્યું.


વિશ્વાસી જનમાં વસતા બે સ્વભાવ

14 કેમ કે આપણે જાણીએ છીએ કે નિયમ આધ્યાત્મિક છે; પણ હું દૈહિક છું, અને પાપને વેચાયેલો છું.

15 કેમ કે હું જે કરું છું, તે હું સમજીને [કરતો નથી] :કારણ કે હું જે ઇચ્છું છું તે કરતો નથી, પણ જે હું ધિક્કારું છું તે હું કરું છું.

16 ત્યારે હું જે ઇચ્છતો નથી તે જો હું કરું છું, તો હું નિયમ વિષે કબૂલ કરું છું કે તે સારો છે.

17 તો હવે જે તે કરે છે તે તો હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે જ તે કરે છે.

18 કેમ કે હું જાણું છું કે, મારામાં, એટલે મારા દેહમાં, કંઈ જ સારું વસતું નથી; કારણ કે ઇચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું [મારામાં] નથી.

19 કેમ કે જે સારું હું ઇચ્છું છું તે હું કરતો નથી; પણ જે ભૂંડું હું ઇચ્છતો નથી તે હું કર્યા કરું છું,

20 હવે જો હું જે ઇચ્છતો નથી તે હું કરું છું, તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે છે.

21 તો મને એવો નિયમ માલૂમ પડે છે કે સારું કરવા ઇચ્‍છું છું ત્યારે ભૂડું હાજર હોય છે.

22 કેમ કે હું મારા આંતરિક મનુષ્ય પ્રમાણે ઈશ્વરના નિયમમાં આનંદ માનું છું.

23 પણ હું મારા અવયવોમાં એક જુદો નિયમ જોઉં છું, તે મારા મનના નિયમની સામે લડે છે, અને મારા અવયવોમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાવે છે.

24 હું કેવો દુર્ભાગી માણસ છું! મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે?

25 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે હું ઈશ્વરની આભારસ્તુતિ કરું છું. એ પ્રમાણે હું પોતે મનથી ઈશ્વરના નિયમની પણ દેહથી પાપના નિયમની, સેવા કરું છું.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan