Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

રોમનોને પત્ર 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તો યહૂદીની અધિકતા શી છે? અને સુન્‍નતથી શો લાભ છે?

2 સર્વ પ્રકારે બહુ [લાભ] છે: પ્રથમ તો એ છે કે, ઈશ્વરનાં વચનો તેઓને સોંપવામાં આવ્યાં હતાં.

3 અને જો કેટલાક અવિશ્વાસી હતા તો શું? તેઓનો અવિશ્વાસ શું ઈશ્વરના વિશ્વાસુપણાને નિરર્થક કરે?

4 ના, એવું ન બને. હા, દરેક માણસ ભલે જૂઠું ઠરે તોપણ ઈશ્વર સાચા ઠરો; લખેલું છે, ‘તમે તમારાં વચનોમાં ન્યાયી ઠરો, અને તમારો ન્યાય કરવામાં આવે ત્યારે તમારો વિજય થાય.’

5 પણ જો આપણું અન્યાયીપણું ઈશ્વરના ન્યાયીપણાને સ્થાપિત કરે છે, તો આપણે શું કહીએ? શું કોપરૂપી શિક્ષા કરનાર ઈશ્વર અન્યાયી છે? (હું માણસની રીત પ્રમાણે બોલું છું.)

6 ના, એવું ન થાઓ. કેમ કે જો એમ હોય તો ઈશ્વર જગતનો ન્યાય શી રીતે કરે?

7 પણ જો મારા અસત્યથી ઈશ્વરનું સત્ય તેમના મહિમાને અર્થે વધારે પ્રગટ થયું, તો હજુ સુધી અપરાધી તરીકે મારો ન્યાય કેમ કરવામાં આવે છે?

8 વળી અમારી નિંદા કરીને કેટલાક અમારે વિષે કહે છે, “તેઓનું બોલવું એવું છે કે, સારું થાય માટે આપણે ભૂંડું કરીએ. એ પ્રમાણે કેમ ન [કરીએ] ?” એવાઓનો દંડ વાજબી છે.


કોઈ ન્યાયી નથી, સૌ કોઈ પાપી છે

9 ત્યારે શું? આપણે તેઓના કરતાં ચઢિયાતા છીએ? તદ્દન નહિ જ; કારણ કે અમે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકોને માથે દોષ મૂક્યો છે કે તેઓ બધા પાપને આધીન છે.

10 જેમ શાસ્‍ત્રમાં લખેલું છે તે પ્રમાણે, “કોઈ ન્યાયી નથી, એક પણ નથી;

11 સમજનાર કોઈ નથી, ઈશ્વરને શોધનાર કોઈ નથી.

12 તેઓ બધા ભટકી ગયા છે. તેઓ સર્વ નકામા થયા છે. સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી:

13 તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે; પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે. તેઓના હોઠોમાં સર્પનું ઝેર છે!

14 તેઓનું મોં શાપથી તથા કડવાશથી ભરેલું છે.

15 તેઓના પગ રક્ત વહેવડાવવામાં ઉતાવળા છે.

16 તેઓના માર્ગોમાં નાશ તથા સંતાપ છે.

17 તેઓએ શાંતિનો માર્ગ જાણ્યો નથી.

18 તેઓની આંખ આગળ ઈશ્વરનો ભય નથી.”

19 હવે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્‍ત્ર જે કંઈ કહે છે, તે જેઓ નિયમશાસ્‍ત્રને આધીન છે તેઓને કહે છે; જેથી દરેક મોં બંધ થાય, અને આખું જગત ઈશ્વરની આગળ જવાબદાર ઠરે.

20 કેમ કે તેમની સમક્ષ કોઈપણ માણસ નિયમ [શાસ્‍ત્ર પ્રમાણે] ની કરણીઓથી ન્યાયી ઠરશે નહિ, કારણ કે નિયમ દ્વારા પાપ વિષે જ્ઞાન થાય છે.


ઈશ્વરે રજૂ કરેલો મુક્તિનો માર્ગ

21 પણ હમણાં ઈશ્વરનું એવું ન્યાયીપણું પ્રગટ થયું છે કે જેનો આધાર નિયમશાસ્‍ત્ર પર રહેલો નથી, અને જેની સાક્ષી નિયમશાસ્‍ત્ર તથા પ્રબોધકો આપે છે.

22 એટલે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓ માટે છે તે ઈશ્વરનું ન્યાયીપણું, કેમ કે એમાં કંઈ પણ ભેદ નથી.

23 કારણ કે બધાએ પાપ કર્યું છે, અને ઈશ્વરના મહિમા વિષે બધા અધૂરા રહે છે.

24 [પણ] ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે, તેની મારફતે [ઈશ્વરની] કૃપાથી તેઓ વિનામૂલ્ય ન્યાયી ગણાય છે.

25 ઈશ્વરે તેમને તેમના રક્ત પરના વિશ્વાસથી પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યા, જેથી ઈશ્વરની સહનશીલતાથી અગાઉ થયેલાં પાપની દરગુજર થઈ તે વિષે [ઈશ્વર] પોતાનું ન્યાયપણું બતાવે.

26 એટલે કે વર્તમાન સમયમાં તે પોતાનું ન્યાયી૫ણું બતાવે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય.

27 તો વડાઈ કરવાનું ક્યાં રહ્યું? એનું સ્થાન નથી. ક્યા નિયમથી? શું કરણીના? ના; પણ વિશ્વાસના નિયમથી.

28 માટે અમે એવું સમજીએ છીએ કે, માણસ નિયમ [શાસ્‍ત્ર પ્રમાણે] ની કરણીઓ વગર વિશ્વાસથી જ ન્યાયી ઠરે છે.

29 અથવા શું ઈશ્વર કેવળ યહૂદીઓના જ છે? શું વિદેશીઓના પણ નથી? હા, વિદેશીઓના પણ છે.

30 કારણ કે ઈશ્વર એક જ છે, અને તે સુન્‍નતીને વિશ્વાસથી, અને બેસુન્‍નતીને પણ વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાવશે.

31 ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્‍ત્રને નિરર્થક ઠરાવીએ છીએ? ના, એવું ન થઓ! એથી ઊલટું, અમે તો નિયમશાસ્‍ત્રને સ્થાપિત કરીએ છીએ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan