Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

રોમનોને પત્ર 13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


રાજ્યના અધિકારીઓ પ્રત્યે નાગરિક તરીકેની ફરજો

1 દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું; કેમ કે ઈશ્વરના તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી. જે [અધિકારીઓ] છે તેઓ ઈશ્વરથી નિમાયેલા છે.

2 એથી અધિકારીની સામે જે થાય છે તે ઈશ્વરના ઠરાવની વિરુદ્ધ થાય છે, ને જેઓ વિરુદ્ધ થાય છે તેઓ પોતાને માથે દંડ વહોરી લેશે.

3 કેમ કે સારું કામ [કરનાર] ને હાકેમો ભયરૂપ નથી, પણ ભૂંડું [કામ કરનારને છે]. અધિકારીની તને બીક ન લાગે, એવી તારી ઇચ્છા છે? તો તું સારું કર, એટલે તેના તરફથી તારાં વખાણ થશે.

4 કેમ કે તારા હિતને અર્થે તે ઈશ્વરનો કારભારી છે. પણ જો તું ભૂંડું કરે તો ડર રાખ, કેમ કે તે કારણ વિના તરવાર રાખતો નથી, કેમ કે તે ઈશ્વરનો કારભારી છે, એટલે ભૂંડું કરનાર પર તે કોપરૂપી બદલો વાળનાર‌ છે.

5 તે માટે માત્ર કોપની બીકથી જ નહિ, પરંતુ પ્રેરકબુદ્ધિની ખાતર પણ તમારે તેને આધીન રહેવું જ જોઈએ.

6 વળી, એ કારણ માટે તમે કર પણ ભરો છો, કેમ કે તેઓ ઈશ્વરના સેવક છે ને તે જ કામમાં ચાલુ રહે છે.

7 દરેકને તેના જે હક હોય તે આપો:જેને કરનો હોય તેને કર, જેને દાણનો તેને દાણ; જેને બીકનો તેને બીક; જેને માનનો તેને માન.


એકબીજા પ્રત્યેની ફરજો

8 એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો, કેમ કે જે કોઈબીજા ઉપર પ્રેમ રાખે છે તેણે નિયમને પૂરેપૂરો પાળ્યો છે.

9 કારણ કે “તારે વ્યભિચાર ન કરવો, ખૂન ન કરવું, ચોરી ન કરવી, લોભ ન રાખવો, “ઈત્યાદિ જે આજ્ઞાઓ છે તેઓનો સાર આ વચનમાં સમાયેલો છે, “તારે જેવો પોતાના પર [પ્રેમ છે] તેવો પોતાના પડોશી પર પ્રેમ રાખવો.”

10 પ્રેમ પોતાના પડોશીનું કંઈ ભૂંડું કરતો નથી, તેથી પ્રેમ એ નિયમનું સંપૂર્ણ પાલન છે.

11 સમય ઓળખીને એ [યાદ રાખો] કે હમણાં તમારે ઊંઘમાંથી ઊઠવાનો સમય આવી ચૂકયો છે. કારણ કે જે સમયે આપણે વિશ્વાસ કરવા માંડયો, તે કરતાં હાલ આપણું તારણ નજીક આવેલું છે.

12 રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે. માટે આપણે અંધકારનાં કામો તજી દઈને પ્રકાશનાં હથિયારો સજીએ.

13 દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ. મોજશોખમાં તથા નશામાં નહિ, વિષયભોગમાં તથા લંપટપણામાં નહિ, ઝઘડામાં તથા અદેખાઈમાં નહિ.

14 પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો, અને દેહને માટે, એટલે તેની દુષ્ટ વાસનાઓને અર્થે, ચિંતન ન કરો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan