Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સંદર્શન 7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઇઝરાયલના મુદ્રિત ૧, ૪૪, ૦૦૦

1 ત્યાર પછી મેં ચાર દૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા. પૃથ્વી પર, સમુદ્ર પર અથવા કોઈ ઝાડ પર પવન ન વાય, તેટલા માટે તેઓએ પૃથ્વીના ચાર વાયુને અટકાવી રાખ્યા.

2 વળી મેં બીજા એક દૂતને પૂર્વ દિશાથી ચઢતો જોયો, તેની પાસે જીવતા ઈશ્વરની મુદ્રા હતી. અને જે ચાર દૂતોને પૃથ્વી તથા સમુદ્રને ઉપદ્રવ કરવાની [સત્તા] આપવામાં આવી હતી, તેઓને તેણે મોટે અવાજે હાંક મારીને કહ્યું,

3 “જયાં સુધી અમે અમારા ઈશ્વરના દાસોને તેઓનાં કપાળ પર મુદ્રા કરી ન રહીએ, ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા વૃક્ષોને ઉપદ્રવ કરશો નહિ.”

4 અને મુદ્રિત થયેલાની સંખ્યા મેં સાંભળી. ઇઝરાયલી લોકોનાં સર્વ કુળોમાંના એક લાખ ચુમ્‍માળીસ હજાર મુદ્રિત થયા.

5 યહૂદાના કુળમાંના બાર હજાર મુદ્રિત થયા; રુબેનના કુળમાંના બાર હજાર; ગાદના કુળમાંના બાર હજાર;

6 આશેરના કુળમાંના બાર હજાર; નફતાલીના કુળમાંના બાર હજાર; મનાશ્શાના કુળમાંના બાર હજાર;

7 શિમયોનના કુળમાંના બાર હજાર; લેવીના કુળમાંના બાર હજાર;

8 ઝબૂલોનના કુળમાંના બાર હજાર; યૂસફના કુળમાંના બાર હજાર; અને બિન્યામીનના કુળમાંના બાર હજાર મુદ્રિત થયા.


કોઈથી ગણી ન શકાય એટલાની મોટી સભા

9 આ બિનાઓ બન્યા પછી મેં જોયું, તો જુઓ, સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા! તેઓ રાજયાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા. તેઓએ શ્વેત ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી.

10 તેઓ મોટે સ્વરે પોકારીને કહે છે, “અમારા ઈશ્વર, જે રાજ્યાસન પર બેઠેલા છે, તેમને તથા હલવાનને તારણ [ને માટે] ધન્યવાદ હોજો.”

11 સર્વ દૂતો રાજ્યાસનની તથા વડીલોની તથા ચારે પ્રાણીઓની આસપાસ ઊભા રહેલા હતા. તેઓએ રાજયાસનની આગળ દંડવત પ્રણામ કરતાં ઈશ્વરની આરાધના કરીને કહ્યું,

12 “આમીન”; અમારા ઈશ્વરને ધન્યવાદ તથા મહિમા તથા જ્ઞાન તથા આભારસ્તુતિ તથા માન તથા પરાક્રમ તથા સામર્થ્ય સદાસર્વકાળ હો. આમીન.”

13 પછી તે વડીલોમાંના એકે મને પૂછયું, “જેઓએ શ્વેત ઝભ્ભા પહેરેલા છે તેઓ કોણ છે, અને કયાંથી આવ્યા છે?”

14 તેને મેં કહ્યું, “મારા મુરબ્બી, તમે જાણો છો.” તેણે મને કહ્યં, “જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે. તેઓએ પોતાનાં વસ્‍ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં ઊજળાં કર્યાં.

15 માટે તેઓ ઈશ્વરના રાજ્યાસનની આગળ છે, અને તેમના મંદિરમાં રાત દિવસ તેમની સેવા કરે છે; અને રાજ્યાસન પર જે બેઠેલા છે તે તેમના પર મંડપરૂપે રહેશે.

16 તેઓને ફરી ભૂખ લાગશે નહિ; અને સૂર્યની ઝાળ અથવા કોઈ પ્રકારનો તાપ તેઓના ઉપર પડશે નહિ.

17 કેમ કે રાજયાસનની મધ્યે જે હલવાન છે, તે તેઓના પાળક થશે, અને જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી લઈ જશે, અને ઈશ્વર તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછી નાખશે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan