સંદર્શન 6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)સાત મુદ્રા 1 જ્યારે હલવાને તે સાત મુદ્રામાંની એકને તોડી ત્યારે મેં જોયું, તો ચાર પ્રાણીઓમાંના એકને મેં બોલતાં સાંભળ્યું, જાણે ગર્જના થતી હોય તેવા અવાજથી [તેણે] કહ્યું, “આવ.” 2 મેં જોયું, તો જુઓ, એક સફેદ ઘોડો હતો, ને તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું, અને તેને મુગટ આપવામાં આવ્યો, અને તે જીતતો તથા જીતવા માટે નીકળ્યો. 3 જ્યારે તેણે બીજી મુદ્રા તોડી, ત્યારે મેં બીજા પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું, “આવ.” 4 ત્યારે બીજો લાલ ઘોડો નીકળ્યો, અને તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની [સત્તા] આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે. વળી તેને એક મોટી તરવાર આપવામાં આવી. 5 જ્યારે તેણે ત્રીજી મુદ્રા તોડી, ત્યારે મેં ત્રીજા પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું, “આવ.” ત્યારે મેં જોયું, તો જુઓ, એક કાળો ઘોડો, અને તેના પર જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવાં હતાં. 6 અને ચાર પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી, “અડધે [રૂપિયે] શેર ઘઉં, ને અડધે [રૂપિયે] ત્રણ શેર જવ. પણ તેલ તથા દ્રાક્ષારસનો બગાડ તું ન કર.” 7 જ્યારે તેણે ચોથી મુદ્રા તોડી, ત્યારે મેં ચોથા પ્રાણીની વાણીને એમ કહેતી સાંભળી, “આવ”. 8 મેં જોયું, તો જુઓ, ફિક્કા રંગનો એક ઘોડો. તેના પર જે બેઠેલો હતો તેનું નામ “મરણ” હતું, અને હાદેસ તેની પાછળ પાછળ ચાલતું હતું, અને તરવારથી, દુકાળથી, મરણથી, તથા પૃથ્વી પરનાં શ્વાપદોથી જગતમાંના ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેમને આપવામાં આવ્યો. 9 જ્યારે તેણે પાંચમી મુદ્રા તોડી, ત્યારે ઈશ્વરના વચનને લીધે તથા પોતે જે સાક્ષીને વળગી રહ્યા હતા તેને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને મેં વેદી નીચે જોયા. 10 તેઓએ મોટે સ્વરે પોકારીને કહ્યું, “હે સ્વામી, પવિત્ર તથા સત્ય, ઇન્સાફ કરવાનું તથા પૃથ્વી પરનાં રહેનારાંઓની પાસેથી અમારા રક્તનો બદલો લેવાનું તમે ક્યાં સુધી મુલતવી રાખશો?” 11 પછી તેઓમાંના દરેકને શ્વેત ઝભ્ભો આપવામાં આવ્યો. અને તેઓને એમ કહેવામાં આવ્યું, “તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ, જેઓ તમારી જેમ માર્યા જવાના છે, તેઓની સંખ્યા પૂરી ન થાય, ત્યાં સુધી હજુ થોડી વાર તમે વિસામો લો.” 12 જ્યારે તેણે છઠ્ઠી મુદ્રા તોડી, ત્યારે મેં જોયું, તો મોટો ધરતીકંપ થયો અને સૂર્ય વાળના કામળા જેવો કાળો થઈ ગયો, અને આખો ચંદ્ર લોહી જેવો કાળો થઈ ગયો. 13 અને જેમ ભારે પવનથી અંજીરી હાલી ઊઠે છે, અને તેનાં કાચાં ફળ તૂટી પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર પડયા. 14 વળી આકાશ વાળી લીધેલા ઓળિયાની જેમ જતું રહ્યું, અને દરેક પહાડ તથા બેટને પોતપોતાને ઠેકાણેથી ખસેડવામાં આવ્યા. 15 જગતના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર, એ તમામ ગુફાઓમાં તથા પહાડોના ખડકોને ઓથે સંતાઈ ગયા. 16 તેઓ પહાડોને તથા ખડકોને કહે છે, “અમારા પર પડો, અને રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને સંતાડો. 17 કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે; અને કોનાથી ઊભું રહેવાય?” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India