Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સંદર્શન 5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 રાજ્યાસન પર જે બેઠેલા હતા તેમના જમણા હાથમાં મેં એક ઓળિયું જોયું, તે અંદરની તથા બહારની બન્‍ને બાજુએ લખેલું હતું, અને સાત મુદ્રાથી મુદ્રિત કરેલું હતું.

2 મેં એક બળવાન દૂતને જોયો, તેણે મોટે સ્વરે પોકારીને કહ્યું, “આ ઓળિયું ઉઘાડવાને ને તેની મુદ્રા તોડવાને કોણ યોગ્ય છે?”

3 પણ આકાશમાં અથવા પૃથ્વી પર અથવા પૃથ્વીની નીચે, તે ઓળિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ સમર્થ ન હતો.

4 હું બહુ રડયો, કારણ કે તે ઓળિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ યોગ્ય જડયો નહિ.

5 ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું, “તું રડ નહિ, જો યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું થડ છે, તે ઓળિયું ઉઘાડવાને તથા તેની સાત મુદ્રા [તોડવાને] વિજયી થયો છે.”

6 અને રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચમાં તથા વડીલોની વચમાં મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું તેને સાત શિંગડા તથા સાત આંખ હતી. એ [આંખો] ઈશ્વરના સાત આત્મા છે જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે.

7 તેણે જઈને રાજ્યાસન પર બેઠેલાના જમણા હાથમાંથી તે [ઓળિયું] લીધું.

8 અને જ્યારે તેણે તે ઓળિયું લીધું, ત્યારે પ્રાણી તથા ચોવીસ વડીલો હલવાનને પગે પડ્યાં; અને દરેકની પાસે વીણા તથા ધૂપે ભરેલાં સોનાનાં પ્યાલાં હતાં, એ [ધૂપ] સંતોની પ્રાર્થનાઓ છે.

9 તેઓ નવું કીર્તન ગાતાં કહે છે, “તમે ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છો; કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા, ને તમે તમારા રક્તથી ઈશ્વરને માટે સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના [લોકોને] વેચાતા લીધા છે.

10 અને અમારા ઈશ્વરને માટે, તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે, અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે.”

11 મેં જોયું, તો રાજ્યાસન, તથા પ્રાણીઓ તથા વડીલોની આસપાસ મેં ઘણા દૂતોની વાણી સાંભળી. તેઓની ગણતરી લાખોલાખ અને હજારોહજાર હતી.

12 તેઓએ મોટે સ્વરે પોકારીને કહ્યું, “જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા‍ સ્તુતિ પામવાને યોગ્ય છે.”

13 વળી ઉત્પન્‍ન થયેલું [પ્રાણી] જે આકાશમાં, પૃથ્વી પર તથા પૃથ્વીની નીચે તથા સમુદ્ર પર છે, તેઓમાંનાં સર્વને મેં એમ કહેતાં સાંભળ્યાં, “રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા સત્તા સદાસર્વકાળ હો.”

14 ત્યારે ચારે પ્રાણીઓએ કહ્યું, “આમીન.” અને વડીલોએ પગે પડીને [તેમની] આરાધના કરી.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan