Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સંદર્શન 22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્યે બતાવી.

2 એ નદીના બન્‍ને કિનારે જીવનનું ઝાડ હતું. તેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં દર માસે તેને [નવીન] ફળ આવતાં હતાં! વળી તે ઝાડનાં પાદડાં [સર્વ] પ્રજાઓને નીરોગી કરવા માટે હતા.

3 હવે પછી કોઈ પ્રકારનો શાપ થનાર નથી; પણ તેમાં ઈશ્વરનું તથા હલવાનનું રાજ્યાસન થશે. તેમના દાસ તેમની સેવા કરશે.

4 તેઓ તેમનું મુખ નિહાળશે! અને તેઓના કપાળ પર તેનું નામ હશે!

5 ફરીથી રાત પડશે નહિ! તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ પરમેશ્વર તેઓ પર પ્રકાશ પાડશે! અને તેઓ સદાસર્વકાળ રાજ કરશે.


ઈસુનું પુનરાગમન

6 પછી તેણે મને કહ્યું, “એ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે! પ્રભુ જે પ્રબોધકોના આત્માઓના ઈશ્વર છે, તેમણે જે થોડી વારમાં થવાનું જ છે તે પોતાના સેવકોને બતાવવા માટે પોતાના દૂતને મોકલ્યો છે.”

7 “જુઓ, હું થોડી વારમાં આવું છું. આ પુસ્તકમાં ભવિષ્યવચનો જે પાળે છે તેને ધન્ય છે.”

8 એ વાતો સાંભળનાર તથા જોનાર તે હું યોહાન છું. જ્યારે મેં સાંભળ્યું ને જોયું, ત્યારે જે દૂતે મને એ વાતો બતાવી, તેને વંદન કરવાને હું પગે પડ્યો.

9 પણ તે મને કહે છે, “જોજે, એમ ન કર; હું તો તારો તથા જે પ્રબોધકો તારા ભાઈઓ છે તેઓનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાઓનો સાથીદાસ છું. તું ઈશ્વરની આરાધના કર.”

10 તે મને કહે છે, “આ પુસ્તકમાંનાં ભવિષ્યવચનોને મુદ્રાથી બંધ ન કર, કેમ કે સમય પાસે છે.

11 જે અન્યાયી છે, તે હજુ અન્યાય કર્યા કરે! અને જે મલિન છે, તે હજુ મલિન થતો જાય! જે ન્યાયી છે, તે હજુ ન્યાયી કૃત્યો કર્યા કરે! અને જે પવિત્ર છે, તે હજુ પવિત્ર થતો જાય.

12 જુઓ, હું થોડી વારમાં આવું છું. અને દરેક માણસને તેની કરણીઓ પ્રમાણે ભરી આપવાનો બદલો મારી પાસે છે.

13 હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આદિ તથા અંત છું.

14 જીવનના ઝાડ પર તેઓને હક મળે, અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે, એ માટે જેઓ પોતાનાં વસ્‍ત્ર ધુએ છે તેઓને ધન્ય છે.

15 કૂતરા, જાદુગરો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિપૂજકો તથા જે સર્વ અસત્ય ચાહે છે અને આચરે છે, તેઓ બહાર છે.

16 મેં ઈસુએ મારા દૂતને મોકલ્યો છે કે તે મંડળીઓને માટે આ સાક્ષી તમને આપે. હું દાઉદનું થડ તથા સંતાન, અને પ્રભાતનો પ્રકાશિત તારો છું.

17 આત્મા તથા કન્યા બન્‍ને કહે છે, “આવો.” જે સાંભળે છે તે એમ કહે કે, “આવો.” અને જે તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે.


ઉપસંહાર

18 આ પુસ્તકમાંનાં ભવિષ્યવચનો જે કોઈ સાંભળે છે તેને હું સોગન દઈને કહું છું, “જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે.

19 વળી જો કોઈ આ ભવિષ્યવચનના પુસ્તકમાંથી કંઈ પણ કાઢી નાખશે, તો ઈશ્વર તેનો ભાગ જીવનના ઝાડમાંથી તથા પવિત્ર નગરમાંથી, એટલે આ પુસ્તકમાં જે જે લખેલું છે તેમાંથી, કાઢી નાખશે.”

20 જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે, “હા; હું થોડી વારમાં આવું છું.” આમીન. હે પ્રભુ ઈસુ, આવો.

21 પ્રભુ ઈસુ [ખ્રિસ્ત] ની કૃપા સંતો પર હો. આમીન.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan