સંદર્શન 21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)નવું આકાશ અને નવી પૃથ્વી 1 પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં:કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતાં રહેલાં છે! અને સમુદ્ર હવે છે જ નહિ. 2 વળી મેં પવિત્ર નગર, નવું યરુશાલેમ, ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઊતરતું જોયું, અને જેમ કન્યા પોતાના પતિને માટે શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. 3 વળી મેં રાજ્યાસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી, “જુઓ, ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે, [ઈશ્વર] તેઓની સાથે વાસો કરશે, તેઓ તેમના લોકો થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓના ઈશ્વર થશે. 4 તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રુદન કે દુ:ખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે.” 5 રાજ્યાસન પર જે બેઠેલા છે તેમણે કહ્યું, “જુઓ, હું બધું નવું બનાવું છું.” વળી તે કહે છે, “તું લખ; કેમ કે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે.” 6 તેમણે મને કહ્યું, “હવે તેઓ પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છું. હું તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત આપીશ. 7 જે જીતે છે તેને એ [સર્વ] નો વારસો મળશે, હું તેનો ઈશ્વર થઈશ, અને તે મારો પુત્ર થશે. 8 પણ બીકણો અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિપૂજકો તથા સર્વજૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે! એ જ બીજું મરણ છે.” નવું યરુશાલેમ 9 પછી જે સાત દૂતોની પાસે છેલ્લા સાત અનર્થોથી ભરેલાં સાત પ્યાલાં હતાં, તેઓમાંના એકે મારી પાસે આવીને મને કહ્યું, “અહીં આવ, અને કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ.” 10 [એમ કહીને] તે મને આત્મામાં એક મોટા, ઊંચા પહાડ પર લઈ ગયો, અને મને ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઈશ્વરના મહિમાસહિત ઊતરતું પવિત્ર નગર યરુશાલેમ બતાવ્યું. 11 તેનું તેજ યાસપિસ જેવા અતિ મૂલ્યવાન રત્ન જેવું, એટલે સ્ફટિકના જેવું નિર્મળ હતું! 12 તેનો કોટ મોટો તથા ઊંચો હતો. તેને બાર દરવાજા હતા, દરવાજા પાસે બાર દૂતો [ઊભેલા] હતા, અને [દરવાજા] ઉપર નામો લખેલાં હતાં. એ ઇઝરાયલી પ્રજાનાં બાર કુળનાં [નામ] છે. 13 પૂર્વ તરફ ત્રણ દરવાજા; ઉત્તર તરફ ત્રણ દરવાજા; દક્ષિણ તરફ ત્રણ દરવાજા; અને પશ્ચિમ તરફ ત્રણ દરવાજા હતા. 14 નગરના કોટના પાયાના બાર [પથ્થર] હતા, અને તેમના પર હલવાનના બાર પ્રેરિતોનાં બાર નામ [હતાં]. 15 જે દૂત મારી સાથે બોલતો હતો, તેની પાસે તે નગરનું, તેના દરવાજાનું તથા તેના કોટનું માપ લેવા માટે સોનાની છડી હતી. 16 નગર ચોખડું છે, એટલે જેટલી તેની લંબાઈ છે તેટલી તેની પહોળાઈ છે. તેણે છડીથી નગરનું માપ લીધું, તો તે દોઢ હજાર માઈલ થયું. તેની લંબાઈ તથા પહોળાઈ તથા ઊંચાઈ સરખી છે. 17 પછી તેણે તેના કોટનું માપ લીધું, તે માણસના માપ પ્રમાણે, એટલે દૂતના માપ પ્રમાણે, ગણતાં એકસો ચુમ્માળીસ હાથ થયું. 18 તેના કોટનું ચણતર યાસપિસનું હતું. અને નગર નિર્મળ કાચના જેવા ચોખ્ખા સોનાનું હતું. 19 નગરના કોટના પાયા દરેક પ્રકારના મૂલ્યવાન પાષાણથી સુશોભિત હતા. પહેલો પાયો યાસપિસ, બીજો નીલમ, ત્રીજો પાનું, ચોથો લીલમ, 20 પાંચમો અકીક, છઠ્ઠો લાલ, સાતમો તૃણમણિ, આઠમો પિરોજ, નવમો પોખરાજ, દશમો લસણિયો, અગિયારમો શનિ, બારમો યાકૂત. 21 તે બાર દરવાજા બાર મોતી હતા. તેઓમાંનો દરેક દરવાજો એક એક મોતીનો હતો; અને નગરનો રસ્તો ચોખ્ખા સોનાનો નિર્મળ કાચના જેવો હતો. 22 તેમાં મેં મંદિર જોયું નહિ, કેમ કે સર્વ શક્તિમાન પ્રભુ ઈશ્વર તથા હલવાન એ જ તેનું મંદિર છે. 23 નગરમાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી; કેમ કે ઈશ્વરનો મહિમા તેને પ્રકાશિત કરે છે, અને હલવાન તેનો દીવો છે. 24 તેમના પ્રકાશમાં [સર્વ] પ્રજાઓ ચાલશે. અને પૃથ્વીના રાજાઓ પોતાનું ગૌરવ તેમાં લાવે છે. 25 દિવસે તેના દરવાજા કદી બંધ થશે નહિ. (કેમ કે ત્યાં રાત પડશે નહિ). 26 તેઓ [સર્વ] પ્રજાઓનાં ગૌરવ તથા કીર્તિ તેમાં લાવશે. 27 જે કંઈ અશુદ્ધ છે, અને જે કોઈ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે, તથા અસત્ય આચરે છે, તે તેમાં કદી પ્રવેશ કરશે જ નહિ. પણ જેઓનાં નામ હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ કરશે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India