સંદર્શન 20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)એક હજાર વર્ષ 1 પછી મેં એક દૂતને આકાશમાંથી ઊતરતો જોયો, તેની પાસે ઊંડાણની ચાવી હતી, અને તેના હાથમાં એક મોટી સાંકળ હતી. 2 તેણે પેલા અજગરને, એટલે ઘરડો સર્પ, જે દોષ મૂકનાર તથા શેતાન છે, તેને પકડયો, અને હજાર વર્ષ સુધી તેને બાંધી રાખ્યો. 3 તેણે તેને ઊંડાણમાં નાખી દઈને તેને બંધ કર્યું, અને તે પર મુદ્રા કરી, જેથી હજાર વર્ષ પૂરાં થતાં સુધી તે ફરી લોકોને ભુલાવે નહિ. ત્યાર પછી થોડીવાર સુધી તેને છૂટો કરવો પડશે. 4 પછી મેં રાજ્યાસનો જોયાં અને તેઓ ઉપર જે લોકો બેઠેલા હતા, તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરનાં વચનને લીધે જેઓનો શિરચ્છેદ થયો હતો, તથા જેઓએ શ્વાપદની તથા તેની મૂર્તિની પૂજા કરી નહોતી, અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લીધી નહોતી, તેઓના આત્માઓને [મેં જોયા]. તેઓ જીવતા થયા, ને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ કર્યું. 5 મૂએલાંમાંનાં જેઓ બાકી રહ્યાં તેઓ તો હજાર વર્ષ પૂરાં થતાં સુધી જીવતાં થયાં નહિ. એ જ પહેલું પુનરુત્થાન છે. 6 પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તે ધન્ય તથા પવિત્ર છે! એવાઓ પર બીજા મરણનો અધિકાર નથી! પણ તેઓ ઈશ્વરના તથા ખ્રિસ્તના યાજક થશે, અને તેમની સાથે હજાર વર્ષ રાજ કરશે. શેતાનનો પરાજય 7 જયારે તે હજાર વર્ષ પૂરાં થશે ત્યારે શેતાનને તેના બંદીખાનામાંથી છોડવામાં આવશે, 8 એટલે તે પૃથ્વીને ચારે ખૂણે રહેતી પ્રજાઓને, ગોગ તથા માગોગને ભમાવીને લડાઈને માટે તેઓને એકત્ર કરવાને બહાર આવશે. તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે. 9 તેઓ પૃથ્વીની આખી સપાટી પર ચાલતા ગયા, અને તેઓએ સંતોની છાવણીને તથા વહાલા શહેરને ઘેરો ઘાલ્યો. પણ આકાશમાંથી અગ્નિ ઊતર્યો, અને તેઓનો સંહાર કર્યો. 10 અને તેઓને ભમાવનાર શેતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં, જયાં શ્વાપદ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં નાખી દેવામાં આવ્યો. ત્યાં તેઓ રાતદિવસ સદાસર્વકાળ વેદના ભોગવશે. હજાર વર્ષ પછીનો ન્યાયચુકાદો 11 પછી મેં મોટું શ્વેત રાજ્યાસન જોયું અને તેના પર બેઠેલા પુરુષને જોયો. તેમની સંમુખથી પૃથ્વી તથા આકાશ જતાં રહ્યા. અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહિ. 12 પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને, ઈશ્વરની સમક્ષ ઊભાં રહેલાં જોયાં. અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને એક બીજું પુસ્તક જે જીવનનું [પુસ્તક] છે તે પણ ઉઘાડવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પરથી મૂએલાંઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. 13 સમુદ્રે પોતાનામાં જેઓ મૂએલાં હતાં તેઓને પાછાં આપ્યાં, અને મરણે તથા હાડેસે [પણ] પોતાનામાં જેઓ મૂએલાં હતાં, તેઓને પાછાં આપ્યાં; અને દરેકનો ન્યાય તેની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો. 14 મરણ તથા હાડેસને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યાં. અગ્નિની ખાઈએ જ બીજું મરણ છે. 15 જો કોઈ જીવનપુસ્તકમાં નોંધેલો માલૂમ પડયો નહિ, તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India