Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સંદર્શન 19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તે પછી આકાશમાં મોટા જનસમૂહના જેવી મેં મોટી વાણી સાંભળી, તે બોલી, “હાલેલૂયા; આપણા ઈશ્વરને તારણ, મહિમા તથા પરાક્રમ છે!

2 કારણ કે તેમના ન્યાયચુકાદા સત્ય તથા યથાર્થ છે. કેમ કે જે મોટી વેશ્યાએ પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરિ, તેનો તેમણે ન્યાય કર્યો છે, અને પોતાના સેવકોના લોહીનો બદલો તેની પાસેથી લીધો છે.”

3 ફરીથી તેઓએ કહ્યું, “હાલેલૂયા! અને તેનો ધુમાડો સદાસર્વકાળ ઉપર ચઢે છે.”

4 ત્યારે ચોવીસ વડીલોએ તથા ચાર પ્રાણીઓએ દંડવત પ્રણામ કરીને રાજયાસન પર બેઠેલા ઈશ્વરની આરાધના કરીને કહ્યું, “આમીન; હાલેલૂયા.”


હલવાનનું લગ્નજમણ

5 પછી રાજ્યાસનમાંથી આવી વાણી થઈ, “આપણા ઈશ્વરના સર્વ સેવકો, તેમનાથી બીનારા, નાના તથા મોટા, તેમની સ્તુતિ કરો.”

6 મોટા જનસમૂહના જેવી તથા ઘણાં પાણીના પ્રવાહ જેવી તથા ભારે ગર્જનાઓના જેવી વાણીને એમ બોલતી મેં સાંભળી, “હાલેલુયા; કેમ કે હવે સર્વશક્તિમાન પ્રભુ આપણા ઈશ્વર રાજ કરે છે.

7 આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ, અને તેમને મહિમા આપીએ, કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે, અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે.

8 તેને તેજસ્વી, સ્વચ્છ તથા બારીક શણનું વસ્‍ત્ર પહેરવા દીધું છે! તે બારીક શણનું વસ્‍ત્ર સંતોનાં ન્યાયી કૃત્યોરૂપ છે.”

9 વળી તે મને કહે છે, “હલવાનના લગ્નજમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે, એમ તું લખ.” તે મને એમ પણ કહે છે, “આ તો ઈશ્વરનાં ખરાં વચનો છે.”

10 ત્યારે તેનું વંદન કરવાને હું તેને પગે પડયો. પણ તેણે મને કહ્યું, “જોજે, એવું ન કરતો; હું તો તારો તથા ઈસુની સાક્ષીને વળગી રહેનારા તારા ભાઈઓનો સાથીદાર છું. ઈશ્વરની આરાધના કર; કેમ કે ઈસુ વિષેની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે.”


શ્વેત ઘોડા પર ‘રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ’

11 પછી મેં આકાશ ઊઘડેલું જોયું, તો જુઓ, એક શ્વેત ઘોડો, અને તેના પર એક જણ બેઠેલા છે, તેમનું નામ ‘વિશ્વાસુ તથા સાચા’ છે; તે પ્રામાણિકપણે ન્યાય તથા લડાઈ કરે છે.

12 તેમની આંખો અગ્નિની જવાળા [જેવી] છે, અને તેમના માથા પર ઘણા મુગટ છે. તેના પર એવું નામ લખેલું છે કે જે તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી.

13 તેમણે રક્તથી છંટાયેલો ઝભ્ભો પહેરેલો છે. તેમનું નામ ‘ઈશ્વરનો શબ્દ’ છે.

14 આકાશમાંનાં સૈન્યો શ્વેત ઘોડા પર સવાર થઈને ઊજળાં તથા શુદ્ધ બારીક શણનાં વસ્‍ત્રો પહેરીને તેમની પાછળ પાછળ ચાલ્યાં.

15 તેમના મોંમાંથી ધારવાળી તરવાર નીકળે છે કે, તે વડે તે વિદેશીઓને મારે! તે લોઢાના દંડથી તેઓના પર અધિકાર ચલાવશે! અને સર્વશક્તિમાન ઈશ્વરના સખત કોપનો દ્રાક્ષાકુંડ તે ખૂંદે છે.

16 તેમના ઝભ્ભા પર તથા તેમની જાંઘ પર “રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ” એવું નામ લખેલું છે.

17 પછી મેં એક દૂતને સૂર્યમાં ઊભો રહેલો જોયો. તેણે અંતરિક્ષમાં ઊડનારાં સર્વ પક્ષીઓને મોટે સાદે હાંક મારી, “તમે આવો, અને ઈશ્વરના મોટા જમણને માટે એકત્ર થાઓ;

18 કે તમે રાજાઓનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું અને સવારોનું, સર્વ સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ ખાઓ.”

19 પછી મેં શ્વાપદ, પૃથ્વીના રાજાઓ તથા તેઓનાં સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેમના સૈન્યની સામે લડવાને એકત્ર થયેલાં જોયાં.

20 શ્વાપદ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકે ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તેને પણ તેની સાથે [પકડવામાં આવ્યો]. એ બન્‍નેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતાં જ નાખી દેવામાં આવ્યાં.

21 જેઓ બાકી રહ્યા તેઓ ઘોડા પર બેઠેલાના મોંમાંથી નીકળતી તરવારથી માર્યા ગયા! અને તેઓનાં માંસથી સઘળાં પક્ષીઓ તૃપ્ત થયાં!

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan