ગીતશાસ્ત્ર 96 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ઈશ્વર:સર્વોચ્ચ રાજા ( ૧ કાળ. ૧૬:૨૩-૩૩ ) 1 યહોવાની આગળ નવું ગીત ગાઓ; આખી પૃથ્વી, યહોવાની આગળ ગાઓ. 2 યહોવાની આગળ ગાઓ, તેમના નામને સ્તુત્ય માનો; દિનપ્રતિદિન તેમનું તારણ પ્રગટ કરો. 3 વિદેશીઓમાં તેમનો મહિમા, અને સર્વ લોકોમાં તેમના ચમત્કાર, જાહેર કરો. 4 કેમ કે યહોવા મોટા અને બહુ સ્તુત્ય છે. સર્વ દેવો કરતાં તે ભયાવહ છે. 5 લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે; પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યાં. 6 સન્માન તથા મહિમા તેમની સમક્ષ છે; સામર્થ્ય તથા શોભા તેમના પવિત્રસ્થાનમાં છે. 7 લોકોનાં કુળો, યહોવાની સ્તુતિ કરો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાને આપો. 8 યહોવાના નામને શોભતું ગૌરવ તેમને આપો. અર્પણ લઈને તેમનાં આંગણામાં આવો. 9 પવિત્રતાની સુંદરતાએ યહોવાને ભજો; આખી પૃથ્વી, તેમની આગળ કંપો. 10 વિદેશીઓમાં કહો, “યહોવા રાજ કરે છે; જગત પણ એવી રીતે સ્થાપન કરવામાં આવેલું છે તે ખસેડી શકાય નહિ; તે યથાર્થપણે લોકોનો ન્યાય કરશે.” 11 આકાશો આનંદ કરો, અને પૃથ્વી હરખાઓ; સમુદ્ર તથા તેનું ભરપૂરપણું ગાજો; 12 ખેતર તથા તેમાં જે કંઈ છે તે સર્વ ઉત્સાહ કરો; ત્યારે વનનાં સર્વ વૃક્ષો યહોવાની આગળ હર્ષનાદ કરશે, 13 કેમ કે તે આવે છે; તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે; તે યથાર્થપણે જગતનો, અને તેમની સત્યતાએ લોકોનો ન્યાય કરશે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India