Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 94 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈશ્વર:સર્વના ન્યાયાધીશ

1 હે બદલો વાળનાર ઈશ્વર, યહોવા, હે બદલો વાળનાર ઈશ્વર, પોતાને પ્રકાશવાન બતાવો.

2 હે પૃથ્વીના ન્યાયાધીશ, પોતાને ઊંચા કરો; ગર્વિષ્ઠોને બદલો વાળી આપો.

3 હે યહોવા, દુષ્ટો ક્યાં સુધી, દુષ્ટો ક્યાં સુધી જયજયકાર કરશે?

4 તેઓ બકે છે, તેઓ અભિમાનયુક્ત વાતો કરે છે; સર્વ અન્યાય કરનારા વડાઈ કરે છે.

5 હે યહોવા, તેઓ તમારા લોકોને કચરી નાખે છે, તેઓ તમારા વારસાને દુ:ખ આપે છે.

6 તેઓ વિધવાને તથા પરદેશીને કતલ કરે છે, તેઓ અનાથને મારી નાખે છે.

7 તેઓ કહે છે, “યાહ જોશે નહિ. યાકૂબના ઈશ્વર‌ ધ્યાન દેશે નહિ.”

8 હે લોકોમાંના અજ્ઞાનો, તમે ધ્યાન દો; મૂર્ખો, તમે ક્યારે બુદ્ધિમાન થશો?

9 જે કાનનો ઘડનાર છે, તે શું નહિ સાંભળે? જે આંખનો રચનાર છે, તે શું નહિ જુએ?

10 જે વિદેશીઓને શિક્ષા કરનાર, એટલે જે માણસોને જ્ઞાન શીખવનાર છે, તે શું શિક્ષા કરશે નહિ?

11 યહોવા માણસોના વિચાર જાણે છે, કે તેઓ વ્યર્થ છે.

12 હે યાહ, જેને તમે શિક્ષા કરો છો, અને જેને તમે તમારા નિયમશાસ્‍ત્રમાંથી શીખવો છો તે પુરુષને ધન્ય છે;

13 દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી તમે તેને સંકટના દિવસોમાંથી શાંતિ આપશો.

14 યહોવા પોતાના લોકને તજશે નહિ, તે પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.

15 કેમ કે ન્યાયીકરણ ન્યાયીપણા તરફ પાછું વળશે; અને યથાર્થ હ્રદયવાળા સર્વ તેને અનુસરશે.

16 મારે માટે દુષ્કર્મીઓની સામે કોણ ઊઠશે? મારે માટે અન્યાય કરનારની વિરુદ્ધ કોણ ઊભો થશે?

17 જો યહોવાએ મને સહાય ન કરી હોત તો મારો આત્મા વહેલો છાનો થઈ જાત.

18 હે યહોવા, જ્યારે મેં કહ્યું, “મારો પગ લપસી જાય છે.” ત્યારે, તમારી કૃપાએ મને ઝીલી લીધો.

19 મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે તમારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે.

20 દુષ્ટ અધિકારીઓ નિયમસર ઉપદ્રવ યોજે છે, તેઓ શું તારી સાથે મેળાપ રાખશે?

21 તેઓ ન્યાયીઓને દુ:ખ આપવા એકત્ર થાય છે, અને નિરપરાધીને ગુનેગાર ઠરાવે છે.

22 પણ યહોવા મારો ગઢ છે; અને મારા ઈશ્વર મારા આશ્રયના ખડક છે.

23 તેમણે તેઓને તેમનો અન્યાય વાળી આપ્યો છે, તે તેઓની ભૂંડાઈને માટે તેઓનો સંહાર કરશે; યહોવા આપણા ઈશ્વર તેઓનો સંહાર કરશે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan