Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 90 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ભાગ ૪ થો ( ગી.શા. ૯૦—૧૦૬ ) ઈશ્વરભક્ત મૂસાની પ્રાર્થના.

1 હે પ્રભુ, પેઢી દરપેઢી તમે અમારો આશ્રય થયા છો.

2 પર્વતો ઉત્પન્ન થયા હતા, અને તમે પૃથ્વી તથા જગતને રચ્યાં હતાં, તે પહેલાં, એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તમે ઈશ્વર છો.

3 તમે માણસને ધૂળમાં પાછું મેળવી દો છો; અને કહો છો, “હે મનુષ્યપુત્રો પાછા ફરો.”

4 કેમ કે, તમારી દષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં, અને રાતના એક પહોર જેવાં છે.

5 તમે તેઓને રેલની માફક તાણી જાઓ છો; તેઓ નિદ્રા જેવાં છે; તેઓ સવારમાં ઊગતા ઘાસ જેવાં છે.

6 સવારમાં તે ખીલે છે તથા વધે છે; સાંજે તે કપાઈ જાય છે તથા ચીમળાય છે;

7 કેમ કે તમારા કોપથી અમારો નાશ થાય છે, અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.

8 તમે અમારા અન્યાય તમારી સમક્ષ, અમારાં ગુપ્ત પાપો તમારા મુખના પ્રકાશમાં મૂકયાં છે.

9 અમારા સર્વ દિવસો તમારા રોષમાં વીતી જાય છે; અમે નિસાસાની જેમ અમારાં વર્ષો પૂરાં કરીએ છીએ.

10 અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય, તોપણ તેઓનો ગર્વ શ્રમ તથા દુ:ખમાત્ર છે; કેમ કે તે વહેલી થઈ રહે છે, અને અમે ઊડી જઈએ છીએ.

11 તમારા કોપના બળને, તથા તમારો રોષ [ધ્યાનમાં લઈને] તે પ્રમાણે તમારી બીક રાખવી તે કોણ જાણે છે?

12 તમે અમને અમારા દિવસો એવી રીતે ગણવાને શીખવો કે અમને જ્ઞાનવાળું હ્રદય પ્રાપ્ત થાય.

13 હે યહોવા, પાછા આવો; ક્યાં સુધી? તમારા સેવકો પર કરુણા કરો.

14 સવારમાં તમારી કૃપાથી અમને તૃપ્ત કરો, જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ.

15 જે દિવસોમાં તમે અમને દુ:ખી કર્યા છે, અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે, તે પ્રમાણે અમને આનંદ પમાડો.

16 તમારા સેવકોને તમારાં કૃત્યો, અને તેઓના દીકરાઓ પર તમારો મહિમા દેખાઓ.

17 અમારા પર અમારા ઈશ્વર યહોવાની કૃપા થાઓ; અને તમે અમારા હાથનાં કામ અમારે માટે સ્થાપન કરો; હા, અમારા હાથનાં કામ તમે સ્થાપન કરો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan