ગીતશાસ્ત્ર 9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પ્રભુના અદલ ઇનસાફ માટે સ્તુતિગાન મુખ્ય ગવૈયાને માટે; રાગ મુથ-લાબ્બેન. દાઉદનું ગીત. 1 મારા સંપૂર્ણ હ્રદયથી હું યહોવાની આભારસ્તુતિ કરીશ, હું તમારાં સર્વ આશ્ચર્યકારક કૃત્યો પ્રગટ કરીશ. 2 હું તમારામાં આનંદ તથા ઉલ્લાસ કરીશ; હે પરાત્પર, હું તમારા નામનું સ્તોત્ર ગાઈશ. 3 જ્યારે મારા શત્રુઓ પાછા હઠે છે, ત્યારે તમારી સમક્ષ તેઓ ઠોકર ખાઈને નાશ પામે છે. 4 કેમ કે તમે મારો હક તથા દાવો સિદ્ધ કર્યો છે; તમે ન્યાયાસન પર બેસીને અદલ ઇનસાફ કર્યો છે. 5 તમે વિદેશીઓને ધમકાવ્યા છે, તમે દુષ્ટોનો નાશ કર્યો છે, તમે તેઓનું નામ સદાને માટે ભૂંસી નાખ્યું છે. 6 શત્રુઓનો અંત આવ્યો છે, તેઓ હંમેશને માટે નાશ પામ્યા છે. જે નગરો તમે પાયમાલ કર્યાં છે, તેમનું સ્મરણ પણ રહ્યું નથી. 7 પણ યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજે છે. તેમણે ન્યાય કરવાને માટે પોતાનું આસન તૈયાર કર્યું છે. 8 તે ન્યાયીપણાથી જગતનો ન્યાય કરશે, તે લોકોનો અદલ ઇનસાફ કરશે. 9 વળી યહોવા દુ:ખીઓને કિલ્લારૂપ થશે, તે સંકટસમયે ગઢ થશે. 10 તમારું નામ જાણનારા તમારા પર ભરોસો રાખશે; કેમ કે, હે યહોવા, તમે તમારા શોધનારને તજ્યા નથી. 11 યહોવા સિયોનમાં રહે છે, તેમનાં સ્તોત્ર ગાઓ; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો. 12 કેમ કે રક્તનો બદલો માગનાર ગરીબોનું સ્મરણ રાખે છે; તે તેમની અરજ વીસરી જતા નથી. 13 હે યહોવા, મારા પર દયા કરો. મોતના દ્વારથી મને ઉઠાડનાર, મારો દ્વેષ કરનારા મને દુ:ખ દે છે તે તમે જુઓ; કે 14 સિયોનની દીકરીના દરવાજાઓમાં હું તમારાં પૂરેપૂરાં વખાણ કરું; હું તમારા તારણમાં હર્ષ પામીશ. 15 પોતે ખોદેલા ખાડામાં વિદેશીઓ પડ્યા છે; પોતે સંતાડી રાખેલા પાશમાં તેઓના પોતાના પગ સપડાયા છે. 16 યહોવાએ પોતે પોતાની ઓળખાણ આપી છે, તેમણે ન્યાય કર્યો છે. દુષ્ટો પોતાના હાથના કામમાં પોતે ફસાઈ ગયા છે. (હિગ્ગાયોન. સેલાહ) 17 દુષ્ટો, એટલે ઈશ્વરને ભૂલનાર સર્વ લોકો શેઓલમાં જશે. 18 કેમ કે દરિદ્રીને હંમેશાં ભૂલી જવામાં આવશે નહિ, અને ગરીબોની અપેક્ષા સદા નિષ્ફળ થશે નહિ. 19 હે યહોવા, ઊઠો; માણસને પ્રબળ થવા ન દો; તમારી સમક્ષ વિદેશીઓનો ન્યાય થાય. 20 હે યહોવા, તેમને ભયભીત કરો. અમો માત્ર માણસ છીએ એવું વિદેશીઓ જાણે. (સેલાહ) |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India