ગીતશાસ્ત્ર 88 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)મદદ માટે પોકાર કોરાના દીકરાઓનું ગાયન; ગીત. મુખ્ય ગવૈયાને માટે; રાગ માહલાથ-લાનોથ. હેમાન એઝ્રાહીનું માસ્કીલ. 1 હે યહોવા, મારા તારણના ઈશ્વર, મેં રાતદિવસ તમને અરજ કરી છે. 2 મારી પ્રાર્થના તમારી હજૂરમાં આવો; મારો પોકાર તમારે કાને પડો; 3 કેમ કે મારો જીવ ઘણો દુ:ખી છે, અને મારો પ્રાણ શેઓલ તરફ ખેંચાઈ જાય છે. 4 કબરમાં ઊતરનાર ભેગો હું ગણાયેલો છું; હું નિરાધાર માણસના જેવો છું. 5 મને તજીને મૂએલા ભેગો ગણી લીધો છે, મારી નંખાયેલા, કબરમાં સૂતેલા કે, જેઓનું તમે ફરી સ્મરણ કરતા નથી, અને જેઓ તમારા હાથથી દૂર થયેલા છે [તેમના જેવો હું છું]. 6 નીચલા ખાડામાં, અંધારી જગાઓમાં તથા ઊંડાણોમાં તમે મને નાખ્યો છે. 7 તમારો કોપ મારા પર ભારે છે, તમારાં સર્વ મોજાં [મારા પર ફરી વળ્યા] થી હું દુ:ખમાં ડૂબી ગયો છું. (સેલાહ) 8 તમે મારા ઓળખીતાને મારી પાસેથી દૂર કર્યા છે; તેઓ મારાથી કંટાળે, એવો તમે મને કર્યો છે. હું બંદીખાનામાં પડેલો છું, તેથી હું બરાબર નીકળી શકતો નથી. 9 દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે; હે યહોવા, મેં દરરોજ તમને અરજ કરી છે, તમારી આગળ મેં મારા હાથ જોડ્યા છે. 10 શું તમે મૂએલાને ચમત્કાર બતાવશો? શું મૂએલા ઊઠીને તમારી આભારસ્તુતિ કરશે? (સેલાહ) 11 શું કબરમાં તમારી કૃપા કે, વિનાશમાં તમારું વિશ્વાસુપણું, જાહેર કરવામાં આવશે? 12 શું અંધકારમાં તમારાં આશ્ચર્યકારક કૃત્યો, અને વિસ્મરણના દેશમાં તમારું ન્યાયીપણું, જણાવવામાં આવશે? 13 પરંતુ, હે યહોવા, મેં તમને અરજ કરી છે, સવારે મારી પ્રાર્થના તમારી હજૂરમાં આવશે. 14 હે યહોવા, મારા આત્માને તમે કેમ તજી દો છો? તમારું મુખ તમે મારાથી કેમ ફેરવો છો? 15 મારી જુવાનીના વખતથી હું દુ:ખી તથા મરણતોલ થઈ ગયેલો છું; તમારો ત્રાસ વેઠતાં હું ગભરાઈ ગયો છું. 16 તમારો ઉગ્ર કોપ મારા ઉપર થયો છે; તમારા ત્રાસે મારો નાશ કર્યો છે. 17 તેઓએ પાણીની જેમ દરરોજ મને ઘેર્યો; તેઓ ભેગા થઈને મારી આસપાસ ફરી વળ્યા. 18 મારા પ્રિય જનોને તથા મિત્રોને તમે મારાથી દૂર કર્યા છે, મારા ઓળખીતાઓમાં હવે તો અંધકાર જ [રહ્યો છે]. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India