ગીતશાસ્ત્ર 86 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)સહાય માટે પ્રાર્થના દાઉદની પ્રાર્થના. 1 હે યહોવા, તમારો કાન ઘરીને મને ઉત્તર આપો; કારણ કે હું દીન તથા દરિદ્રી છું. 2 મારા જીવનું રક્ષણ કરો, કેમ કે હું તમારો ભક્ત છું; હે મારા ઈશ્વર, તમારા પર ભરોસો રાખનાર તમારા સેવકને બચાવો. 3 હે પ્રભુ, મારા પર દયા કરો; કેમ કે આખો દિવસ હું તમને અરજ કરું છું. 4 તમારા સેવકના આત્માને આનંદ પમાડો, કેમ કે, હે પ્રભુ, હું તમારા પર મારું અંત:કરણ લગાડું છું. 5 કેમ કે, હે પ્રભુ, તમે ઉત્તમ તથા ક્ષમા કરવાને તત્પર છો, તમને અરજ કરનાર સર્વ પર તમે ઘણા કૃપાળુ છો. 6 હે યહોવા, મારી પ્રાર્થનાને કાન ધરો; મારી આજીજી સાંભળો. 7 મારા સંકટને દિવસે હું તમને પોકાર કરીશ; કેમ કે તમે મને ઉત્તર આપશો. 8 હે પ્રભુ, દેવોમાં તમારા જેવો કોઈ નથી; અને તમારા કૃત્યો જેવાં કોઈનાં નથી. 9 હે પ્રભુ, જે સર્વ પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે, તેઓ આવીને તમારી આગળ પ્રણામ કરશે; અને તેઓ તમારા નામનો મહિમા ગાશે. 10 કેમ કે તમે મોટા છો ને આશ્ચર્યકારક કૃત્યો કરો છો; તમે એકલા જ ઈશ્વર છો. 11 હે યહોવા, મને તમારો માર્ગ શીખવો; હું તમારા સત્ય માર્ગે ચાલીશ; તમારા નામનું ભય રાખવાને મારા હ્રદયને એકાગ્ર કરો. 12 હે પ્રભુ, મારા ઈશ્વર, હું મારા ખરા હ્રદયથી તમારી આભારસ્તુતિ કરીશ; હું સદાકાળ તમારા નામનો મહિમા ગાઈશ. 13 કેમ કે મારા પર તમારી કૃપા પુષ્કળ છે; નીચલા શેઓલથી તમે મારા આત્માને છોડાવ્યો છે. 14 હે ઈશ્વર, ગર્વિષ્ઠો મારી સામે ઊઠયા છે, અને જબરદસ્ત માણસોની ટોળી મારો જીવ લેવા મથે છે, તેઓએ પોતાની આગળ તમને રાખ્યા નથી. 15 પણ, હે પ્રભુ, કરુણાથી તથા દયાથી ભરપૂર, કોપ કરવે ધીમા અને કૃપા તથા સત્યતાથી પરિપૂર્ણ, એવા તમે ઈશ્વર છો. 16 મારી તરફ ફરો, ને મારા પર દયા કરો; તમારા દાસને તમારું સામર્થ્ય આપો, તમારી દાસીના દીકરાને બચાવો. 17 મારા કલ્યાણનું ચિહ્ન મને દેખાડો કે, મારા દ્વેષીઓ તે જોઈને લજવાય; કેમ કે, હે યહોવા, તમે મને મદદ કરી છે, અને મને દિલાસો આપ્યો છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India