ગીતશાસ્ત્ર 85 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)દેશ માટે પ્રાર્થના મુખ્ય ગવૈયાને માટે. કોરાના દીકરાઓનું ગીત. 1 હે યહોવા, તમે તમારા દેશ પર પ્રસન્ન થયા છો. તમે યાકૂબનું દાસત્વ પાછું વાળ્યું છે. 2 તમે તમારા લોકોનો અન્યાય માફ કર્યો છે. તમે તેઓનાં સર્વ પાપ ઢાંકી દીધાં છે. (સેલાહ) 3 તમે તમારો સર્વ રોષ દૂર કર્યો છે; તમે તમારા ક્રોધાવેશથી પાછા ફર્યા છો. 4 હે અમારા તારણના ઈશ્વર, અમને ફેરવો, અમારા પરથી તમારો કોપ દૂર કરો. 5 શું તમે અમારા પર સદા કોપાયમાન રહેશો? શું તમે પેઢી દરપેઢી તમારો કોપ લંબાવશો? 6 શું તમે અમને ફરીથી સજીવન નહિ કરો કે, તમારામાં તમારા લોકો હર્ષ પામે? 7 હે યહોવા, તમારી કૃપાનો અમને અનુભવ કરાવો, અને તમારું તારણ અમને આપો. 8 યહોવા ઈશ્વર જે બોલે તે હું સાંભળીશ; કેમ કે તે પોતાના લોકો તથા પોતાના ભક્તોની સાથે શાંતિની વાત કરશે; પણ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય. 9 નિશ્ચે તેમનું તારણ તેમના ભક્તોની પાસે છે; જેથી અમારા દેશમાં ગૌરવ રહે. 10 કૃપા તથા સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યું છે. 11 સત્યતા પૃથ્વીમાંથી નીકળી આવે છે; અને ન્યાયીપણાએ આકાશમાંથી નજર કરી છે. 12 વળી યહોવા કલ્યાણ બક્ષશે; અને આપણો દેશ સારી ઊપજ આપશે. 13 ન્યાયીપણું તેમની આગળ ચાલશે; અને તેમનાં પગલાંને આપણે માટે માર્ગરૂપ કરશે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India