ગીતશાસ્ત્ર 83 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ઇઝરાયલના શત્રુઓની હાર માટે પ્રાર્થના ગાયન, આસાફનું ગીત 1 હે ઈશ્વર, તમે છાના ન રહો; હે ઈશ્વર, તમે ચૂપ તથા શાંત ન રહો. 2 તમારા શત્રુઓ હુલ્લડ કરે છે; અને તમારા દ્વેષીઓએ માથું ઊંચું કર્યું છે 3 તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરેલો ઇરાદો સેવે છે, તમારા ગુપ્ત લોકોની વિરુદ્ધ તેઓ મસલત કરે છે. 4 તેઓએ કહ્યું છે, “ચાલો, તેઓ પ્રજા ન કહેવાય એવી રીતે આપણે તેઓનો સંહાર કરીએ કે, ઇઝરાયલના નામનું સ્મરણ હવે પછી રહે નહિ.” 5 તેઓએ એકમતે મસલત કરી છે; તેઓ ભેગા થઈને તમારી વિરુદ્ધ કરાર કરે છે; 6 તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ, 7 ગબાલ તથા આમ્મોન તથા અમાલેક, તૂરની વસતિ સહિત પલિસ્તીઓ [કરાર કરે છે] ; 8 આશૂર પણ તેઓની સાથે સામેલ થયેલો છે; તેઓએ લોતના વંશજોને સહાય કરી છે. (સેલાહ) 9 જેમ મિદ્યાનને [તમે કર્યું] , અને જેમ કીશોનના નાળા પાસે સીસરા તથા યાબીનને તમે કર્યું, તેમ તેઓને કરો. 10 તેઓ એન-દોરની પાસે નાશ પામ્યા; તેઓ ભૂમિના ખાતર જેવા થઈ ગયા. 11 તેઓના સરદારોને ઓરેબ તથા ઝએબના જેવા, હા, તેઓના સર્વ અધિકારીઓને ઝેબા તથા સાલ્મુન્નાના જેવા કરો. 12 તેઓએ કહ્યું, “ઈશ્વરના નિવાસસ્થાનને આપણે પોતાને માટે સંપાદન કરીએ.” 13 હે મારા ઈશ્વર, તેઓને વંટોળિયાની ધૂળ જેવા, પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો. 14 વનને બાળનાર દાવાનળની જેમ, અને પર્વતોને સળગાવનારી આગની જેમ, 15 તમે તમારી આંધીથી તેઓનો પીછો પકડો, અને તમારા તોફાનથી તેઓને ત્રાસ પમાડો. 16 ફજેતીથી તેઓ પોતાનાં મુખ સંતાડે તેમ કરો કે, તેઓ, હે યહોવા, તમારું નામ શોધે. 17 તેઓ સદા ફજેત તથા ભયભીત થાઓ; હા, તેઓ લજવાઓ તથા નાશ પામો, 18 જેથી, તેઓ જાણે કે તમે, જેમનું નામ યહોવા છે તે તમે જ આખી પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India