Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 80 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


રાષ્ટ્રના જીર્ણોદ્ધાર માટે પ્રાર્થના
મુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નીમ-એદૂથ. આસાફનું ગીત.

1 હે ઇઝરાયલના પાળક, યૂસફને ટોળાની જેમ, દોરનાર, કાન ધરો; કરૂબીમ પર બિરાજનાર, પ્રકાશ કરો.

2 એફ્રાઈમ તથા બિન્યામીન તથા મનાશ્શાની સંમુખ તમારું સામર્થ્ય પ્રગટ કરો, અમને તારવાને આવો.

3 હે ઈશ્વર, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ પાડો, એટલે અમે બચી જઈશું.

4 હે સૈન્યોના ઈશ્વર યહોવા, તમારા લોકો [તમારી] પ્રાર્થના કરે છે, છતાં તમારો કોપ ક્યાં સુધી સળગતો રહેશે?

5 તમે તેઓને આંસુવાળી રોટલી ખવડાવી છે, અને તેઓને પુષ્કળ આંસુઓ પાયાં છે.

6 તમે અમને અમારા પડોશીઓ પ્રત્યે તકરારનું કારણ બનાવો છો; અમારા શત્રુઓ અંદરોઅંદર અમારી હાંસી કરે છે.

7 હે સૈન્યોના ઈશ્વર; અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ પાડો, એટલે અમે બચી જઈશું.

8 તમે મિસરમાંથી દ્રાક્ષાવેલો લાવ્યા; તમે વિદેશીઓને હાંકી કાઢીને તેને રોપ્યો.

9 તમે તેને માટે [જગા] તૈયાર કરી, તેની જડ બાઝી, ને તેથી દેશ ભરપૂર થયો.

10 તેની છાયાથી પર્વતો ઢંકાયા, તેની ડાળીઓ ઈશ્વરનાં દેવદારો [જેવી] હતી.

11 તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી, અને ડાંખળીઓ નદી સુધી, પ્રસારી.

12 તમે તેની વાડ એવી રીતે કેમ તોડી છે કે, સર્વ વટેમાર્ગુઓ તેને ચૂંટી લે છે?

13 ડુક્કર જંગલમાંથી [આવીને] તેને બગાડે છે, અને રાની પશુઓ તેને ખાઈ જાય છે.

14 હે સૈન્યોના ઈશ્વર, કૃપા કરીને પાછા આવો; આકાશમાંથી નજર કરો, અને આ દ્રાક્ષાવેલાની મુલાકાત લો.

15 જે [દ્રાક્ષાવેલો] તમે તમારે જમણે હાથે રોપ્યો છે, અને જે પુત્રને તમે તમારે માટે બળવાન કર્યો છે, તેનું રક્ષણ કરો.

16 તે અગ્નિથી બાળવામાં આવ્યો છે, તેને કાપી નાખવામાં આવ્યો છે; તેઓ તમારા મુખની ધમકીથી નાશ પામે છે.

17 તમારા જમણા હાથના માણસ પર, એટલે જે માનવપુત્રને તમે પોતાને માટે બળવાન કરેલો છે તેના પર, તમારો હાથ રહો.

18 એટલે અમે તમારાથી પાછા હઠીશું નહિ; અમને પુનર્જીવન આપો, તો અમે તમારા નામની વિનંતી કરીશું.

19 હે સૈન્યોના ઈશ્વર યહોવા, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ પાડો, એટલે અમે બચી જઈશું.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan