Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 79 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


શોક ગીત
આસાફનું ગીત.

1 હે ઈશ્વર, વિદેશીઓ તમારા વતનમાં આવ્યા છે; તેઓએ તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યું છે; તેઓએ યરુશાલેમને ખંડિયેર કરી નાખ્યું છે.

2 તમારા સેવકોનાં શબ તેઓએ આકાશનાં પક્ષીઓને ખાવાને માટે આપ્યાં છે, તમારા ભક્તોનું માંસ તેઓએ જંગલનાં પશુઓને આપ્યું છે.

3 તેઓએ તેઓનું રક્ત યરુશાલેમની આસપાસ પાણીની જેમ વહેવડાવ્યું છે; અને તેઓને દાટનાર કોઈ મળ્યો નહિ.

4 અમે અમારા પડોશીઓને નિંદારૂપ થયા છીએ, જેઓ અમારી આસપાસ છે તેઓની આગળ તિરસ્કારરૂપ તથા મશ્કરીપાત્ર થયા છીએ.

5 હે યહોવા ક્યાં સુધી? શું તમે સદા કોપાયમાન રહેશો? શું તમારો રોષ અગ્નિની જેમ સળગી ઊઠશે?

6 જે વિદેશીઓ તમને જાણતા નથી, અને જે રાજ્યની પ્રજાઓ તમારે નામે અરજ કરતી નથી, તેઓ પર તમારો કોપ રેડો.

7 કેમ કે તેઓ યાકૂબને ખાઈ ગયા છે, અને તેનું રહેઠાણ ઉજ્જડ કર્યું છે.

8 અમારા પૂર્વજોનાં પાપ અમારા ગેરલાભમાં યાદ ન રાખો; તમારી દયા અમને ઉતાવળે મળવા સામી આવો; કેમ કે અમે બહુ જ દુર્દશામાં આવી પડેલા છીએ.

9 હે અમારા તારણના ઈશ્વર, તમારા નામના મહિમાને અર્થે અમને સહાય કરો; તમારા નામની ખાતર અમને છોડાવો, તથા અમારાં પાપનું નિવારણ કરો.

10 વિદેશીઓ શા માટે કહે છે, “તેઓનો ઈશ્વર ક્યાં છે?” અમે નજરે જોઈએ એવી રીતે તમારા સેવકોના વહેવડાવેલા રક્તનો બદલો વિદેશીઓને આપો.

11 બંદીવાનનો નિસાસો તમારી આગળ પહોંચો; જેઓ મરણને માટે ઠરાવેલા છે તેમનું, તમારા મહાન સામર્થ્ય પ્રમાણે, રક્ષણ કરો;

12 હે પ્રભુ, અમારા પડોશીઓએ જે રીતે તમારી નિંદા કરી છે, તે જ રીતે તેઓના ઉરમાં તેઓને સાતગણી નિંદા વાળી આપો.

13 પછી અમે તમારા લોક તથા તમારા ચારાનાં ઘેટાં નિરંતર તમારી આભારસ્તુતિ કરીશું; પેઢી દરપેઢી અમે તમારું સ્તવન કરીશું.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan