ગીતશાસ્ત્ર 77 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)આપત્તિકાળમાં દિલાસો મુખ્ય ગવૈયાને માટે; યદૂથૂનની રીત પ્રમાણે રચેલું. આસાફનું ગીત. 1 હું ઈશ્વર આગળ મારી વાણી સંભળાવીશ; મારી વાણીથી હું ઈશ્વરને અરજ કરીશ, અને તે મને કાન ધરશે. 2 મારા દુ:ખને દિવસે મેં પ્રભુને શોધ્યા; રાત્રે થાક ખાધા વગર, મારા હાથ [તેમની આગળ] જોડી રાખેલા હતા; મારા આત્માએ દિલાસો સ્વીકારવાની ના પાડી. 3 હું ઈશ્વરનું સ્મરણ કરીને વ્યાકુળ થાઉં છું; હું પ્રાર્થના કરીને મનન કરું છું, ત્યારે મારો આત્મા મૂર્છિત થાય છે. (સેલાહ) 4 તમે મને મારી આંખો મીંચવા દેતા નથી; હું એટલો બધો વ્યાકુળ છું કે મારાથી બોલાતું નથી. 5 હું આગલા દિવસોનો, પૂર્વનાં વર્ષોનો વિચાર કરું છું. 6 રાતમાં મારું [ગાયેલું] ગીત મને સાંભરે છે; હું મનમાં મનન કરું છું; અને મારા આત્માએ ઘણી શોધ કરતાં [પૂછયું] , 7 “શું પ્રભુ [આપણને] સર્વકાળ તજી દેશે? શું તે ફરી પ્રસન્ન થશે નહિ? 8 શું તેમની કૃપા સદાને માટે છેક જતી રહી છે? શું તેમનું વચન સદાકાળ રદ જશે? 9 કૃપાળુ થવાને ઈશ્વર વીસરી ગયા છે? શું કોપ કરીને તેમણે મહેરબાની બંધ કરી છે?” (સેલાહ) 10 ત્યારે મેં કહ્યું, “આ તો મારી નિર્બળતા છે;” [પરંતુ] પરાત્પરના જમણા હાથનાં વર્ષો [હું સંભારીશ]. 11 હું યહોવાનાં કૃત્યોનું સ્મરણ કરીશ; તમારા પુરાતન કાળના ચમત્કાર હું સંભારીશ. 12 વળી હું તમારાં સર્વ કામોનું મનન કરીશ, અને તમારાં કૃત્યો વિષે વિચાર કરીશ. 13 હે ઈશ્વર, તમારો માર્ગ પવિત્રસ્થાનમાં છે; ઈશ્વર જેવા મોટા ઈશ્વર કોણ છે? 14 તમે ચમત્કાર કરનાર ઈશ્વર છો; તમે લોકોમાં તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે. 15 તમે તમારા બાહુથી પોતાના લોકોને, એટલે યાકૂબના તથા યૂસફના પુત્રોને છોડાવ્યા છે. (સેલાહ) 16 હે ઈશ્વર, પાણીએ તમને જોયા; પાણી તમને જોઈને બીધું; ઊંડાણો પણ ધ્રુજ્યાં. 17 વાદળોએ પાણી રેડયું; આકાશે ગર્જના કરી; તમારાં બાણ ચોતરફ ઊડ્યાં. 18 તમારી ગર્જનાનો સાદ વંટોળિયામાં હતો; વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; પૃથ્વી કાંપી તથા ડોલી. 19 તમારો માર્ગ સમુદ્રમાં હતો; તમારી વાટો મહાજળમાં હતી; તમારાં પગલાં જાણવામાં આવ્યાં નહિ. 20 તમે મૂસા તથા હારુનની મારફતે પોતાના લોકોને ઘેટાંના ટોળાની જેમ દોર્યા. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India