ગીતશાસ્ત્ર 74 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)રાષ્ટ્રની મુક્તિ માટે પ્રાર્થના આસાફનું માસ્કીલ. 1 હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? તમારા ચારાનાં ઘેટાં વિરુદ્ધ તમારા કોપનો ધુમાડો કેમ ચઢે છે? 2 જે તમારી મંડળીને તમે પૂર્વે ખરીદ કરી છે, જેને તમે તમારા વતનનો વારસ થવાને છોડાવી છે, તેને સંભારો; વળી સિયોન પર્વત, જ્યાં તમે રહ્યા છો, તેનું સ્મરણ કરો. 3 હંમેશનાં ખંડિયેર તરફ તમારાં પગલાં ફેરવો, તમારા પવિત્રસ્થાનમાં શત્રુએ ઘણું નુકસાન કર્યું છે. 4 તમારા સભાસ્થાનમાં તમારા શત્રુઓએ બુમરાણ કરી મૂકયું છે; તેઓએ પોતાના ઝંડા ઊભા કર્યા છે. 5 જંગલનાં વૃક્ષો પર કુહાડા ઉગામનારાઓના જેવા તેઓ માલૂમ પડ્યા. 6 હવે તેઓ કુહાડીઓ તથા હથોડાથી તેનું નકશીદાર તમામ કામ તોડી નાખે છે. 7 તેઓએ તમારા પવિત્રસ્થાનને આગ લગાડી છે; તેઓએ તમારા નામનું નિવાસસ્થાન ભ્રષ્ટ કરીને ધૂળમાં મેળવી દીધું છે. 8 તેઓએ પોતાના મનમાં ધાર્યું, “તેઓનું નામનિશાન રહેવા દઈએ નહિ;” તેઓએ દેશનાં સર્વ સભાસ્થાનોને બાળી નાખ્યાં છે. 9 અમારા ચિહ્નનો અમારી દષ્ટિએ પડતાં નથી; પ્રબોધક કોઈ રહ્યો જ નથી; [આવું] ક્યાં સુધી [ચાલશે] , તે જાણનાર અમારામાં કોઈ નથી. 10 હે ઈશ્વર, વૈરી ક્યાં સુધી મહેણાં મારશે? શું શત્રુ હંમેશાં તમારા નામની નિંદા કરશે? 11 તમે તમારો હાથ, હા, તમારો જમણો હાથ, કેમ પાછો ખેંચો છો? તમારા ઉરમાંથી તેને કાઢીને તેમનો નાશ કરો, 12 તોપણ પુરાતન કાળથી ઈશ્વર મારા રાજા છે, પૃથ્વી પર તારણ કરનાર તે જ છે. 13 તમે તમારા સામર્થ્યથી સમુદ્રના ભાગ પાડ્યા; તમે પાણીમાં મહા મત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાં. 14 તમે મગરમચ્છનાં માથાંના કકડેકકડા કરી નાખ્યા, તમે તેને અરણ્યવાસીઓને ખાવાને માટે આપ્યો. 15 ઝરાઓ તથા નાળાંઓમાં તમે રસ્તા પાડ્યા; તમે નિરંતર વહેનારી નદીઓને સૂકવી નાખી. 16 દિવસ તમારો છે, રાત પણ તમારી છે; અજવાળું તથા સૂર્ય તમે સિદ્ધ કર્યાં છે. 17 તમે પૃથ્વીની સર્વ સીમાઓ સ્થાપન કરી છે; તમે ઉનાળાને તથા શિયાળાને ઠરાવ્યા છે. 18 હે યહોવા, શત્રુઓએ મહેણાં માર્યાં છે, અને મૂર્ખ લોકોએ તમારા નામની નિંદા કરી છે, તેનું સ્મરણ કરો. 19 તમારા હોલાનો જીવ હિંસક પ્રાણીઓને સોંપી ન દો; તમારા ગરીબ લોકોને તમે હંમેશાં ભૂલી ન જાઓ. 20 તમે કરાર પર ધ્યાન રાખો; કેમ કે જગતના [અધર્મરૂપી] અંધકારવાળા ભાગો બળાત્કારથી ભરપૂર છે. 21 દુ:ખીઓને ફજેત કરીને પાછા હઠાવતા નહિ; દીનો તથા દરિદ્રીઓ તમારા નામનું સ્તવન કરે. 22 હે ઈશ્વર, તમે ઊઠો, તમારા પોતાના પક્ષની હિમાયત કરો; મૂર્ખ માણસ આખો દિવસ તમને મહેણાં મારે છે, તે યાદ કરો. 23 તમારા શત્રુઓની વાણી, અને તમારી વિરુદ્ધ બંડ ઉઠાવનારાઓનો ઘોંઘાટ, નિત્ય ઊંચો ચઢે છે, તે તમે વીસરશો નહિ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India