ગીતશાસ્ત્ર 73 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ભાગ ૩ જો ( ગી.શા. ૭૩—૮૯ ) ઈશ્વરનો અદલ ઇનસાફ 1 ઇઝરાયલ કે, જેઓનાં હ્રદય શુદ્ધ છે, તેમના પર, ઈશ્વર ખરેખર પરોપકારી છે. 2 પણ મેં તો મારે પગે લગભગ ઠોકર ખાધી હતી; હું પગલાં ભરતાં લગભગ લપસી ગયો હતો. 3 કેમ કે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ, ત્યારે મેં ગર્વિષ્ટોની અદેખાઈ કરી. 4 કેમ કે મરણ સમયે તેમને વેદના થતી નથી; પણ તેઓનું બળ દઢ રહે છે. 5 મનુષ્યજાતનાં દુ:ખો તેમના પર આવતાં નથી; અને બીજા માણસોની જેમ તેઓને પીડા થતી નથી. 6 માટે તેઓનો ગર્વ તો ગળાની કંઠી જેવો છે; વસ્ત્રની જેમ જુલમ તેઓને ઢાંકી રાખે છે. 7 તેઓની દુષ્ટતા તેમનાં હ્રદયમાંથી ઊભરાયા કરે છે; તેઓના મનની [દુષ્ટ] કલ્પનાઓ ઊભરાઈ જાય છે. 8 તેઓ નિંદા કરે છે, અને ભૂંડાઈ વિષે બોલે છે; તેઓ જુલમની બડાઈ હાંકે છે 9 તેઓ ઈશ્વર વિરુદ્ધ પોતાનું મોં ઊંચું રાખે છે, અને પૃથ્વીમાં તેઓની જીભ છૂટથી ચાલે છે. 10 એ માટે લોકો તેમને અનુસરે છે; અને તેઓ ઊભરાતું પાણી પી જાય છે. 11 તેઓ કહે છે, “ઈશ્વર કેવી રીતે જાણે? અને પરાત્પરમાં કંઈ જ્ઞાન છે શું?” 12 જુઓ, દુષ્ટો તો એવા છે; અને હંમેશાં શાંતિમાં રહીને તેઓ ધન વધાર્યા જાય છે. 13 ખરેખર, મેં મારું હ્રદય અમથું શુદ્ધ કર્યું છે, અને મેં મારા હાથ [નિરર્થક] નિર્દોષ રાખ્યા છે; 14 કેમ કે આખો દિવસ હું પીડાયા કરું છું, અને દર સવારે મને શિક્ષા થયા કરે છે. 15 જો મેં કહ્યું હોત, “હું આ પ્રમાણે બોલીશ, ” તો હું તમારા દીકરાઓની પેઢીનો વિશ્વાસઘાત કરત. 16 આ સમજવાને માટે જ્યારે મેં વિચાર કર્યો, ત્યારે એ વાત મને કષ્ટમય લાગી; 17 એટલે સુધી કે મેં ઈશ્વરના પવિત્રસ્થાનમાં જઈને તેઓનો અંત ધ્યાનમાં લીધો. 18 ખરેખર, તમે તેઓને લપસણી જગામાં મૂકો છો; તમે તેઓનો વિનાશ કરો છો. 19 તેઓ એક ક્ષણમાં કેવા નષ્ટ થાય છે! તેઓ ઘાકથી છેક નાશ પામેલા છે. 20 માણસ જાગે કે તરત જ તે જેમ સ્વપ્ન [હતું ન હતું થઈ જાય છે] , તેમ, હે પ્રભુ, તમે જાગીને તેઓની પ્રતિમાને તુચ્છ કરશો. 21 કેમ કે મારું હ્રદય વ્યાકુળ થયું, અને મારું અંત:કરણ દાઝ્યું; 22 હું એવો જડબુદ્ધિનો તથા અજ્ઞાન હતો કે, હું તમારી આગળ પશુ [જેવો જ] હતો. 23 પરંતુ હું નિત્ય તમારી પાસે રહું છું; તમે મારો જમણો હાથ પકડ્યો છે. 24 તમે તમારા બોધથી મને માર્ગ બતાવશો, અને પછી તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો. 25 તમારા વિના આકાશમાં મારો બીજો કોણ છે? અને પૃથ્વી પર મારો બીજો કોઈ પ્રિય નથી. 26 મારું શરીર તથા હ્રદય ક્ષય પામે છે; તોપણ સર્વકાળ ઈશ્વર મારા હ્રદયનો ગઢ તથા મારો વારસો છે. 27 કેમ કે જેઓ તમારાથી દૂર છે તેઓ નાશ પામશે; જેઓ વંઠી જઈને તમને મૂકી દે છે, તેઓનો તમે સમૂળગો નાશ કરો છો. 28 પણ ઈશ્વર પાસે આવવું, તેમાં મારું કલ્યાણ છે; મેં પ્રભુ યહોવાને મારો આશ્રય કર્યો છે, જેથી હું તમારાં સર્વ કૃત્યો પ્રગટ કરું. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India