Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


દાઉદનું શિગ્ગાયોન, જે તેણે બિન્યામીન કૂશના શબ્દો વિષે યહોવાની આગળ ગાયું.

1 હે યહોવા મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું; જે સઘળા મારી પાછળ પડે છે તેઓથી મને બચાવીને છોડાવો.

2 રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે. અને મને છોડાવનાર કોઈ મળે નહિ.

3 હે મારા ઈશ્વર યહોવા, જો મેં એમ કર્યું હોય, જો મારા હાથમાં કંઈ ભૂંડાઈ હોય,

4 જો મારી સાથે શાંતિમાં રહેનારનું મેં ભૂંડું કર્યું હોય, (હા, વગર કારણે જે મારો શત્રુ હતો તેને મેં છોડાવ્યો છે, )

5 તો ભલે શત્રુ મારી પાછળ પડીને મને પકડી પાડો; હા, મારા જીવને છૂંદીને જમીનદોસ્ત કરો, અને મારી આબરૂ ધૂળમાં મેળવી દો. (સેલાહ)

6 હે યહોવા, તમે કોપ કરીને ઊઠો, મારા શત્રુઓના જુસ્સાની વિરુદ્ધ ઊભા થાઓ; મારે માટે જાગ્રત થાઓ; તમે ન્યાય કરવાની આજ્ઞા આપી છે.

7 લોકોની સભા તમારી આસપાસ ભેગી થાય. તમારા રાજ્યાસન ઉપર તમે ઉચ્ચસ્થાને પાછા પધારો.

8 યહોવા લોકોનો ન્યાય કરે છે. હે યહોવા, મારા ન્યાયીપણા પ્રમાણે તથા મારામાં જે પ્રામાણિકપણું છે, તે પ્રમાણે મારો ન્યાય કરો.

9 દુષ્ટોની દુષ્ટતાનો અંત આવો, પણ ન્યાયીઓને તમે સ્થાપન કરો. કેમ કે ન્યાયી ઈશ્વર હ્રદયને તથા અંત:કરણને પારખે છે.

10 મારી ઢાલ ઈશ્વર છે, તે યથાર્થ હ્રદયવાળાઓને તારે છે.

11 ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે, હા, ઈશ્વર રોજ [દુષ્ટો પર] કોપાયમાન થાય છે.

12 જો માણસ [પાપથી] ન ફરે, તો તે તેની તરવાર ઘસશે; તેમણે પોતાનું ધનુષ્ય તાણીને તૈયાર કર્યું છે.

13 વળી તેમણે તેને માટે કાતિલ હથિયાર સજ્જ કર્યાં છે. તે પોતાનાં બાણને બળતાં તીર કરે છે.

14 તે ભૂંડાઈથી કષ્ટાય છે; હા, તેણે ઉપદ્રવનો ગર્ભ ધર્યો છે, અને જૂઠને જન્મ આપ્યો છે.

15 તેણે ખાડો ખોદ્યો છે, અને જે ખાઈ તેણે ખોદી, તેમાં તે પોતે પડ્યો છે.

16 તેનો ઉપદ્રવ તેના પોતાના શિર પર આવશે, અને તેનો બલાત્કાર તેના પોતાના માથા પર પડશે.

17 હું યહોવાના ન્યાયીપણાને લીધે તેમનો આભાર માનીશ; અને પરાત્પર યહોવાના નામનું સ્તોત્ર ગાઈશ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan