Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 66 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પ્રભુનાં મહાન કામો માટે યશોગાન
મુખ્ય ગવૈયાને માટે. ગાયન; ગીત

1 હે સર્વ ભૂવાસીઓ, ઈશ્વરની આગળ હર્ખનાં ગીત ગાઓ;

2 તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ; તેમના સ્તવનને મહિમાવાન કરો.

3 ઈશ્વરને કહો, “તમારાં કામ કેવાં ભયંકર છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે.

4 આખી પૃથ્વી તમારું ભજન કરશે, તે તમારી આગળ ગાયન કરશે; તેઓ તમારા નામનું સ્તવન કરશે.” (સેલાહ)

5 આવો, અને ઈશ્વરનાં કૃત્યોનું અવલોકન કરો; માણસો પ્રત્યે તેમનાં કામ ભયંકર [છે].

6 તેમણે સમુદ્રને સૂકવી નાખ્યો! તેઓ પગે ચાલીને નદીને સામે પાર ગયા! ત્યાં આપણે પ્રભુમાં આનંદ કર્યો હતો.

7 તે પોતાના પરાક્રમથી સદા રાજ કરે છે; તેમની આંખો પ્રજાઓને નિહાળે છે; બંડખોરો ફાવી જઈને ઊંચા ન થઈ જાય. (સેલાહ)

8 હે લોકો, તમે આપણા ઈશ્વરને ધન્યવાદ આપો, અને તેમના સ્તવનનો ધ્વનિ સંભળાવો.

9 તે આપણા આત્માને જીવનમાં [સહીસલામત] રાખે છે, અને આપણા પગને લપસી જવા દેતા નથી.

10 કેમ કે, હે ઈશ્વર, તમે અમને પારખ્યા છે; જેમ રૂપું કસાય છે તેમ તમે અમને કસ્યા છે.

11 તમે અમને જાળમાં પાડયા; તમે અમારી કમરો પર ત્રાસદાયક બોજો મૂક્યો.

12 તમે અમારાં માથાં પર માણસો પાસે સવારી કરાવી; અમારે અગ્નિ તથા પાણીમાંથી ચાલવું પડયું; પણ તમે અમોને કાઢી લાવીને સમૃદ્ધિવાન જગાએ પહોંચાડયા.

13 દહનીયાર્પણો લઈને હું તમારા મંદિરમાં આવીશ; હું તમારી આગળ મારી માનતાઓ પૂરી કરીશ;

14 મારા હોઠોએ જે ઉચ્ચાર્યું, સંકટને સમયે મારે મુખે જે હું બોલ્યો, તે [હું પૂરું કરીશ].

15 પુષ્ટ જનાવરનાં દહનીયાર્પણો મેંઢાઓના ધૂપ સાથે હું તમારી આગળ ચઢાવીશ; હું બકરાં તેમ જ ગોધા ચઢાવીશ. (સેલાહ)

16 હે ઈશ્વરના ભક્તો, તમે સર્વ સાંભળો, એટલે તેમણે મારા આત્માને માટે જે જે કર્યું છે, તે હું કહી સંભળાવીશ.

17 મારે મુખે મેં તેમને અરજ કરી, અને મારી જીભે તેમનું સ્તવન કર્યું.

18 જો હું મારા હ્રદયમાં ભૂંડાઈ કરવાનો ઇરાદો રાખું, તો પ્રભુ મારું સાંભળે જ નહિ;

19 પણ ઈશ્વરે નિશ્ચે મારું સાંભળ્યું છે; તેમણે મારી પ્રાર્થના પર કાન ધર્યો છે.

20 ઈશ્વરને ધન્ય હોજો કે, જેમણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી, તથા મારા પરની તેમની કૃપા અટકાવી નથી.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan