ગીતશાસ્ત્ર 64 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)રક્ષણ માટે પ્રાર્થના મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. 1 હે ઈશ્વર, મારી ફરિયાદનો પોકાર સાંભળો; શત્રુના ભયથી મારો જીવ બચાવો. 2 ભૂંડાઈ કરનારાઓનાં કાવતરાંથી, અન્યાય કરનારાઓના હુલ્લડથી મને સંતાડો. 3 તેઓએ તરવારની જેમ તેમની જીભ તીક્ષ્ણ કરી છે, અને તેઓએ બાણ, એટલે વાગ્બાણ, તાક્યાં છે, કે 4 તેઓ એકાંતમાં ઉત્તમ માણસને મારે. તેઓ તેને ઓચિંતો મારે છે, અને બીતા નથી. 5 તેઓ પોતાની દુષ્ટ ધારણા દઢ કરે છે. તેઓ ગુપ્ત પાશ નાખવાને મસલત કરે છે; તેઓ કહે છે કે અમને કોણ જોશે? 6 તેઓ દુષ્ટ કર્મો શોધી કાઢે છે; તેઓએ ચતુરાઈથી યુક્તિ યોજી છે. તેઓમાંના દરેકના પેટનો વિચાર તથા હ્રદય ઊંડાં છે. 7 પણ ઈશ્વર તેઓને તાકીને બાણ મારશે; તેઓ એકાએક ઘાયલ થઈ જશે. 8 એમ તેઓ ઠોકર ખાશે. તેમની જીભ તેઓને નડશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે. 9 પછી સર્વ માણસ બીશે; તેઓ ઈશ્વરનાં કૃત્યો પ્રગટ કરશે, અને તેમનાં કામ વિષે સમજણથી વિચાર ચલાવશે. 10 ન્યાયીઓ યહોવામાં આનંદ કરશે, અને તેમના પર ભરોસો રાખશે, અને હ્રદયના સર્વ યથાર્થીઓ જયજયકાર કરશે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India