Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 59 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


સલામતી માટે પ્રાર્થના
મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ. દાઉદનું મિખ્તામ. શાઉલે મોકલેલા માણસોએ તેને મારવાને ઘરની ચોકી કરી, તે વખતનું.

1 હે મારા ઈશ્વર, મારા શત્રુઓથી મને છોડાવો; મારા પર ચઢાઈ કરનારાઓથી મને ઉગારો.

2 અન્યાય કરનારાઓથી મને છોડાવો, અને ખૂની માણસોથી મને બચાવો.

3 તેઓ મારો પ્રાણ લેવા સંતાઈ રહે છે; પરાક્રમીઓ મારી સામે એકત્ર થાય છે; હે યહોવા, મારાં ઉલ્‍લંઘન કે મારાં પાપને લીધે આ થાય છે, એમ નથી.

4 [મારો] કંઈ પણ દોષ ન હોવા છતાં તેઓ દોડી આવીને તૈયારી કરે છે; મને સહાય કરવાને જાગો અને જુઓ.

5 ઓ સૈન્યોના [સરદાર] યહોવા પરમેશ્વર, ઇઝરાયલના ઈશ્વર, તમે સર્વ વિદેશીઓને જોઈ લેવાને જાગજો; કોઈ પણ દુષ્ટ અપરાધીઓ પર તમે દયા કરશો નહિ. (સેલાહ)

6 તેઓ સંધ્યાકાળે પાછા આવે છે. તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે, અને નગરની આસપાસ ફેરા ખાય છે.

7 તેઓ મોંમાંથી ફીણ કાઢે છે; તેઓના હોઠોમાં તરવારો છે; [તેઓ એવું બોલે છે કે,] કોણ સાંભળનાર છે?

8 પણ, હે યહોવા, તમે તેઓને હસી કાઢશો; તમે સર્વ વિદેશીઓની મશ્કરી કરશો.

9 હે મારા સામર્થ્ય, હું તમારી રાહ જોઈશ; કેમ કે ઈશ્વર મારા ઊંચા ગઢ છે.

10 મારા પર કૃપા કરનારા ઈશ્વર મને સામા મળવા આવશે; ઈશ્વર મારા શત્રુઓ ઉપર મને મારા કોડ પૂરવા દેશે.

11 તેઓને મારી નાખશો નહિ, રખેને મારા લોક ભૂલી જાય; હે પ્રભુ, અમારી ઢાલ, તમારી શક્તિ વડે તેઓને વિખેરીને નીચે પાડી નાખો.

12 તેઓના મુખના પાપને લીધે, તેઓના હોઠોના શબ્દોને લીધે, અને તેઓ જે શાપ દે છે અને જે જૂઠું બોલે છે, તેને લીધે તેઓને પોતાના ગર્વમાં ફસાઈ પડવા દો.

13 કોપથી તેઓનો નાશ કરો, નાશ કરો કે, તેઓ હતા ન હતા થઈ જાય; તેઓને ખાતરી આપો કે, પૃથ્વીની સીમા સુધી ઈશ્વર યાકૂબમાં રાજ કરે છે. (સેલાહ)

14 સાંજે તેઓ પાછા આવો, તેઓ કૂતરાની જેમ ઘૂરકો, અને નગરની આસપાસ ફેરા ખાઓ.

15 તેઓ ખાવા માટે રખડતા ફરશે. અને તૃપ્ત નહિ થાય તો આખી રાત [ભૂખ્યા] રહેશે.

16 પરંતુ હું તો તમારા સામર્થ્યનું ગાયન કરીશ; હું સવારમાં તમારી કૃપા વિષે હર્ષનાદ કરીશ; કેમ કે તમે મારા ઊંચા ગઢ છો, અને સંકટને સમયે મારા આશ્રયદાતા થયા છો.

17 હે મારા સામર્થ્ય, હું તમારાં સ્તોત્રો ગાઈશ; કેમ કે ઈશ્વર મારા ઊંચા ગઢ, અને મારા પર કૃપા કરનાર ઈશ્વર છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan