Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 58 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


અન્યાયીઓ ઉપર શબ્દ-પ્રહારો
મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ. દાઉદનું સોનેરી ગીત.

1 અરે પરાક્રમીઓ, શું તમે ખરેખર ન્યાયીપણાથી બોલો છો? શું, તમે માણસોનો અદલ ઇનસાફ કરો છો?

2 ના, તમે મનમાં ભૂંડાઈ યોજો છો; પૃથ્વી પર તમે તમારા હાથથી જુલમ તોળી આપો છો

3 દુષ્ટો માના પેટથી જ ભટકી ગએલા હોય છે; તેઓ જન્મે છે કે તરત જ જૂઠું બોલે છે અને ખોટે રસ્તે ચઢી જાય છે.

4 તેઓનું વિષ સાપના વિષ જેવું છે; [તેઓ] કાન બંધ કરી રાખનાર બહેરા સાપ જેવા છે,

5 કે જે ઘણી જ હોશિયારીથી મહુવર વગાડનાર ગારુડીનો પણ સાદ સાંભળતો નથી.

6 હે ઈશ્વર, તેઓના મોંની બત્રીસી ભાંગી નાખજો; હે યહોવા, સિંહનાં બચ્ચાંની રાક્ષીઓ પાડી નાખજો.

7 તેઓ ઝડપથી વહેતા પાણીની જેમ વહી જાઓ, તેઓ બાણ તાકે ત્યારે તેઓ બૂઠાં થઈ જાઓ.

8 ગોકળગાય જે પીગળતી પીગળતી ચાલે છે તેના જેવા, અથવા જેણે સૂર્ય જોયો નથી, એવા સ્ત્રીને અધૂરે ગએલા ગર્ભ [જેવા તેઓ થાઓ].

9 તમારાં હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં, ગમે તો તેઓ લીલા હોય કે સૂકા હોય તો પણ, તેમને વંટોળિયો ઘસડી લઈ જશે.

10 બદલો વળેલો જોઈને ન્યાયી માણસ હરખાશે; તે દુષ્ટોના રક્તમાં પોતાના પગ ધોશે.

11 માટે લોકો કહેશે, “ન્યાયીને ખચીત બદલો મળે છે; ખરેખર પૃથ્વીમાં ન્યાય કરનાર ઈશ્વર છે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan