ગીતશાસ્ત્ર 56 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ઈશ્વર પર વિશ્વાસ માટે પ્રાર્થના મુખ્ય ગવૈયાને માટે; રાગ યોનાથ-એલેમ રહોકીમ. દાઉદનું મિખ્તામ. ગાથમાં પલિસ્તીઓએ તેને પકડયો તે વખતનું. 1 હે ઈશ્વર, તમે મારા પર દયા કરો; કેમ કે માણસ તો મને ગળી જાય; તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે. 2 મારા શત્રુઓ તો આખો દિવસ મને ગળી જાય છે, કેમ કે જેઓ મારી સામે અહંકારથી લડે છે તેઓ ઘણા છે. 3 જ્યારે મને બીક લાગશે ત્યારે હું તમારા પર ભરોસો રાખીશ. 4 હું ઈશ્વર [ની મદદ] થી તેમના વચનની પ્રશંસા કરીશ; ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે, તેથી હું બીવાનો નથી. મનુષ્યમાત્ર મને શું કરનાર છે? 5 તેઓ આખો દિવસ મારા શબ્દોનો અનર્થ કરે છે, મારું ભૂંડું કરવા માટે તેઓના સર્વ વિચારો છે. 6 તેઓ એકત્ર થાય છે, તેઓ સંતાઈ રહે છે, તેઓ મારાં પગલાં પકડે છે, કેમ કે તેઓ મારો પ્રાણ લેવાની રાહ જુએ છે. 7 શું તેઓ અન્યાય કરીને બચી જશે? હે ઈશ્વર, તમે કોપ કરીને તેને પાડી નાખો. 8 તમે મારી રખડામણો ગણો છો; મારાં આંસુઓ તમારી કુપ્પીમાં રાખો; શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી? 9 જે સમયે હું વિનંતી કરું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે; હું જાણું છું કે ઈશ્વર મારા પક્ષમાં છે. 10 ઈશ્વર [ની મદદ] થી હું [તેમના] વચનની સ્તુતિ કરીશ; યહોવા [ની મદદ] થી હું [તેમના] વચનની સ્તુતિ કરીશ. 11 ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે, હું બીવાનો નથી. માણસ મને શું કરનાર છે? 12 હે ઈશ્વર, મેં તમારી માનતાઓ લીધી છે; હું તમને સ્તુત્યાર્પણો ચઢાવીશ. 13 હું ઈશ્વરની સમક્ષ જીવનના અજવાળામાં ચાલું, તેથી તમે મારા આત્માને મરણથી બચાવ્યો છે; શું, મારા પગને તમે લથડતાં [બચાવ્યા] નથી? |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India