Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 49 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ધનદોલત પર મિથ્યા મદાર
મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું ગીત.

1 હે સર્વ લોકો, તમે આ સાંભળો; હે સર્વ જગવાસીઓ, કાન દો.

2 નીચ તથા ઉચ્ચ, ધનવંત તથા દરિદ્રી, સર્વ સાથે [સાંભળો].

3 હું મારે મુખે બુદ્ધિ વિષે બોલીશ; અને મારા હ્રદયના વિચારો જ્ઞાન વિષે થશે.

4 હું દ્દષ્ટાંત પર કાન લગાડીશ; વીણા પર મારો મર્મ ખોલીશ.

5 મારી પાછળ પડનારાઓ મને અન્યાયથી ઘેરે છે એવા દુષ્ટોના દિવસોમાં હું શા માટે બીહું?

6 જેઓ પોતાના ધન પર ભરોસો રાખે છે, અને પોતાના પુષ્કળ દ્રવ્યનું અભિમાન કરે છે,

7 [તેઓમાંનો] કોઈ પોતાના ભાઈને કોઈ પણ રીતે છોડાવી શકતો નથી, અથવા તેના બદલામાં ઈશ્વરને ખંડણી આપી શકતો નથી;

8 (કેમ કે તેના પ્રાણની ખંડણી અમૂલ્ય છે અને એ [વિચાર] તેણે સદાને માટે છોડી દેવો જોઈએ),

9 કે તે હજી સદા જીવતો રહે અને કબરમાં દટાય નહિ.

10 કેમ કે તે જુએ છે કે બુદ્ધિવંતો મરે છે, મૂર્ખ તથા હેવાન જેવા સાથે નાશ પામે છે, અને પારકાઓને માટે પોતાનું ધન મૂકીને જાય છે.

11 તેઓનાં અંતરનો વિચાર એવો છે કે અમારાં ઘર સદા [ટકશે] , અમારાં રહેઠાણ પેઢી દરપેઢી [કાયમ રહેશે] ; તેઓ પોતાની જાગીરોને પોતાનાં નામ આપે છે.

12 પણ માણસ માનવંત હોવા છતાં ટકી રહેતો નથી; તે નાશવંત પશુના જેવો છે.

13 આપમતિયા માણસોનો માર્ગ એવો છે; તેમ છતાં તેમની પછીના લોક તેમના બોલ પસંદ કરે છે. (સેલાહ)

14 તેમને શેઓલમાં [લઈ જવાના] ટોળા જેવા ઠરાવવામાં આવશે; મૃત્યુ તેઓનો ઘેટાંપાળક થશે; યથાર્થીઓ સવારમાં તેમના ઉપર અધિકાર ચલાવશે; તેઓનું સૌન્દર્ય શેઓલમાં એવું નાશ પામશે કે, કંઈ બાકી ન રહે.

15 પણ ઈશ્વર મારા આત્માને શેઓલના કબજામાંથી છોડાવી લેશે; કેમ કે તે મારો અંગીકાર કરશે. (સેલાહ)

16 જ્યારે કોઈ ધનવાન થાય છે, જ્યારે તેના ઘરનો વૈભવ વધી જાય છે, ત્યારે તું ગભરાતો નહિ;

17 કેમ કે તે મરી જશે ત્યારે તે પોતાની સાથે કંઈ લઈ જવાનો નથી; તેનો વૈભવ તેની પાછળ જવાનો નથી.

18 જ્યારે તે જીવતો હતો ત્યારે તે પોતાના આત્માને ધન્યવાદ આપતો હતો; અને તું તારું પોતાનું ભલું કરે છે ત્યારે માણસો તારાં વખાણ કરે છે.

19 તોપણ તે પોતાના પૂર્વજોના જમાનાના લોકોની પાસે ચાલ્યો જશે; તેઓ કદી પાછું અજવાળું જોશે નહિ.

20 જે માણસ આબરૂદાર છતાં બુદ્ધિહીન છે, તે નાશવંત પશુ જેવો છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan