ગીતશાસ્ત્ર 48 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)સિયોન:ઈશ્વરનું નગર ગાયન; કોરાના દીકરાઓનું ગીત. 1 આપણા ઈશ્વરના નગરમાં, તેમના પવિત્ર પર્વતમાં, યહોવા મોટા તથા ઘણા સ્તુત્ય છે. 2 મોટા રાજાનું નગર, ઉત્તર બાજુએ, ઊંચાઈમાં ખૂબસૂરત, અને આખી પૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે. 3 તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રયરૂપે જાહેર કર્યા છે. 4 કેમ કે રાજાઓ ભેગા થયા, તેઓ એકત્ર થઈને ચાલ્યા ગયા. 5 તેઓએ તે જોયું ત્યારે તેઓ વિસ્મય પામ્યા; તેઓને દહેશત લાગી, અને તેઓ ત્વરાથી જતા રહ્યા. 6 ત્યાં તેમને ધ્રુજારી છૂટી; તથા પ્રસૂતિવેદના જેવું કષ્ટ થયું. 7 તમે પૂર્વના વાયુએ તાર્શિશનાં વહાણોને ભાંગી નાખો છો. 8 આપણે સાંભળ્યું હતું તેમ સૈન્યોના [સરદાર] યહોવાના નગરમાં, આપણા ઈશ્વરના નગરમાં, આપણે જોયું છે; ઈશ્વર સદાકાળ તેને સ્થિર રાખશે. (સેલાહ) 9 હે ઈશ્વર, અમે તમારા મંદિરમાં તમારી કૃપા વિષે વિચાર કર્યો છે. 10 હે ઈશ્વર, જેવું તમારું નામ છે તેવી તમારી સ્તુતિ પણ પૃથ્વીની સીમા પર્યંત જાય છે; તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે. 11 તમારાં ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામો, અને યહૂદિયાની દીકરીઓ હરખાઓ. 12 સિયોનની આસપાસ જઈને તેની પ્રદક્ષિણા કરો; તેના બુરજોની ગણતરી કરો. 13 તેનો કોટ બરાબર ધ્યાનમાં લો, તેના મહેલો પર લક્ષ આપો; જેથી તમે આવતી પેઢીને તે વિષે કહી શકો. 14 કેમ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે; તે મરણ પર્યંત આપણા દોરનાર થશે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India