Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 45 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


રાજવી લગ્નગીત
મુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નિમ; કોરાના દીકરાઓનું [ગીત]. માસ્કીલ. પ્રેમ વિષે ગીત.

1 મારું હ્રદય ઉત્તમ વિષયથી ઊભરાઈ જાય છે; જે કવિતા મેં રાજાને માટે રચી છે તે હું બોલું છું; મારી જીભ લહિયાની કલમ જેવી ચપળ છે.

2 તમે મનુષ્યો કરતાં સુંદર છો; તમારા હોઠો કૃપાથી ભરેલા છે; માટે ઈશ્વરે સદાકાળ તમને આશીર્વાદ આપ્યો છે.

3 હે પરાક્રમી, તમારી તરવાર તમારી કમરે બાંધો, તમારું ગૌરવ તથા તમારો પ્રતાપ [ધારણ કરો].

4 સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે તમારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થાઓ; તમારો જમણો હાથ તમને ભયંકર કૃત્યો શીખવશે.

5 તમારાં બાણ તીક્ષ્ણ છે; તે રાજાના શત્રુઓના હ્રદયને [વીંધે છે] , તેથી લોકો તમને શરણ થાય છે.

6 હે ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે; તમારો દંડ તે યથાર્થ રાજદંડ છે.

7 તમને ન્યાયીપણા પર પ્રેમ છે, અને દુષ્ટતા પર દ્વેષ છે; માટે ઈશ્વરે, તમારા ઈશ્વરે, તમારા સાથીઓ કરતાં [તમને શ્રેષ્ઠ ગણીને] આનંદના તેલથી તમને અભિષિક્ત કર્યા છે.

8 તમારાં બધાં વસ્ત્ર બોળ, અગર [તથા] તજની [સુગંધથી મહેકે છે] ; હાથીદાંતના મહેલોમાં તારનાં વાજિંત્રો તમને આનંદ પમાડે છે.

9 તમારી માનીતી સ્ત્રીઓમાં રાજપુત્રીઓ છે; તમારે જમણે હાથે ઓફીરના સોનાથી [શણગારેલાં] રાણીજી ઊભાં રહે છે.

10 હે દીકરી, સાંભળ, વિચાર કર, અને કાન ધર; વળી તારા લોકને તથા તારા પિતાના ઘરને ભૂલી જા.

11 રાજા તારા સૌન્દર્ય પર મોહિત થશે; તે તારા પતિ છે માટે તું તેમની સેવાભક્તિ કર.

12 તૂરની દીકરી નજરાણું લઈને [ત્યાં આવશે] ; અને શ્રીમંત લોકો પણ તારી કૃપાને વાસ્તે આજીજી કરશે.

13 રાજપુત્રી [જનાનખાના] માં સંપૂર્ણ ગૌરવવાન છે; તેનાં વસ્ત્ર જરીનાં છે.

14 બુટ્ટેદાર વસ્ત્ર પહેરાવીને તેને રાજા પાસે લાવવામાં આવશે; તેની જે સહિયરો તેની પાછળ ચાલે છે, તે કુમારિકાઓને તમારી પાસે લાવવામાં આવશે.

15 આનંદથી તથા ઉત્સાહથી તેઓને લાવવામાં આવશે; તેઓ રાજમહેલમાં પ્રવેશ કરશે.

16 તમારા પિતૃઓને સ્થાને તમારા દીકરા આવશે, તેઓને તમે આખા દેશ પર સરદારો ઠરાવશો.

17 હું પેઢી દરપેઢી તમારા નામનું સ્મરણ રખાવીશ, તેથી લોક સદાકાળ સુધી તમારી આભારસ્તુતિ કરશે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan