Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 44 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


રક્ષણ માટે પ્રજાનો પોકાર
મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું [ગીત]. માસ્કીલ.

1 હે ઈશ્વર, જે કૃત્યો અમારા પિતૃઓના સમયમાં, એટલે પુરાતન કાળમાં, તમે કર્યાં હતાં, તે વિષે તેઓએ અમને કહ્યું છે તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે,

2 તમે તમારે હાથે વિદેશીઓને કાઢી મૂકીને ત્યાં તેમને વસાવ્યા હતા; તમે એ લોકો પર દુ:ખ લાવીને તેઓને હાંકી કાઢયા.

3 કેમ કે તેઓએ પોતાની તરવાર વડે દેશને કબજે કર્યો નહોતો, વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો; પણ તમારા જમણા હાથે, તમારા ભુજે તથા તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા, કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.

4 હે ઈશ્વર, તમે મારા રાજા છો; યાકૂબને માટે તારણ ફરમાવો.

5 તમારી સહાયથી અમે અમારા વૈરીઓને જમીનદોસ્ત કરી નાખીશું; તમારે નામે અમારી વિરુદ્ધ ઊઠનારાને છૂંદી નાખીશું.

6 કેમ કે હું મારા ધનુષ્ય પર ભરોસો રાખીશ નહિ, અને મારી તરવાર પણ મારો બચાવ કરશે નહિ.

7 પણ તમે અમારા વૈરીઓથી અમને બચાવ્યા છે, તમે અમારા દ્વેષીઓને લજાવ્યા છે.

8 આખો દિવસ અમે ઈશ્વર [ની સહાય] ને લીધે ફુલાશ મારી છે, અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ કરીશું. (સેલાહ)

9 પણ હવે તમે અમને દૂર કર્યા છે, તથા ફજેત કર્યા છે; અને અમારાં સૈન્યોની સાથે તમે બહાર આવતા નથી.

10 તમે વૈરી તરફ અમારી પાસે પીઠ ફેરવાવો છો; અને અમારા દ્વેષીઓ પોતાની મરજી પ્રમાણે અમને લૂંટે છે.

11 કાપવાનાં ઘેટાંની જેમ તમે અમને આપી દીધા છે, અને વિદેશીઓમાં અમને વિખેરી નાખ્યા છે.

12 તમે તમારા લોકને મફત વેચી દો છો, અને તેમની કિંમતથી તમને કંઈ લાભ થતો નથી.

13 તમે અમને અમારા પડોશીઓની આગળ મહેણારૂપ, તથા આસપાસ રહેનારાઓની આગળ તિરસ્કાર તથા મશ્કરીરૂપ કરો છો.

14 તમે અમને વિદેશીઓમાં કહાણીરૂપ અને લોકોમાં માથાં હલાવવાનું કારણ કરો છો.

15 આખો દિવસ મારી આગળથી મારું અપમાન ખસતું નથી, અને મારા મુખ પર થતી ફજેતીએ મને ઢાંકી દીધો છે;

16 નિંદા તથા દુર્ભાષણ કરનારા બોલને લીધે અને શત્રુ તથા વેર વાળનારની દષ્ટિને લીધે [આવું થાય છે].

17 આ બધું અમારા ઉપર આવી પડ્યું છે; તોયે અમે તમને વીસરી ગયા નથી, અને તમારા કરાર પ્રત્યે અમે નિમકહરામ થયા નથી.

18 અમારું હ્રદય પાછું હઠી ગયું નથી, અને અમારાં પગલાં તમારા માર્ગ પરથી અન્ય માર્ગે વળ્યાં નથી;

19 તો પણ તમે શિયાળવાંની જગામાં અમને કચડ્યા છે, ને મોતની છાયાથી અમને ઢાંકી નાખ્યા છે.

20 જો અમે અમારા ઈશ્વરનું નામ વીસરી ગયા હોઈએ, અથવા પારકા ઈશ્વર તરફ અમે અમારા હાથ પસાર્યા હોય;

21 તો ઈશ્વર જે હ્રદયની ગુપ્ત વાતો જાણે છે તે શું તે ખોળી કાઢશે નહિ?

22 કેમ કે તમારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ; કાપવાનાં ઘેટાંના જેવા અમને ગણવામાં આવે છે.

23 હે પ્રભુ, જાગો, તમે કેમ ઊંઘો છો? ઊઠો, [અને અમને] સદાકાળ દૂર ન રાખો.

24 તમે તમારું મુખ કેમ ઢાંકો છો? અને અમારું સંકટ તથા અમારી સતાવણી કેમ વીસરી જાઓ છો?

25 કેમ કે અમારો જીવ જમીન સુધી નમી ગયો છે; અમે પેટ ઘસડતા થઈએ છીએ.

26 તમે અમને સહાય કરવા ઊઠો, અને તમારી કૃપાથી અમને છોડાવી લો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan