ગીતશાસ્ત્ર 42 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ભાગ બીજો ( ગી.શા. ૪૨—૭૨ ) મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું માસ્કીલ. પરમેશ્વર માટે તીવ્ર ઝંખના 1 જેમ પાણીનાં નાળાંને માટે હરણ તલપે છે; તેમ હે ઈશ્વર, તમારે માટે મારો આત્મા તલપે છે. 2 ઈશ્વર, હા, જીવતા ઈશ્વરને માટે મારો આત્મા તલપે છે. હું ક્યારે ઈશ્વરની આગળ હાજર થઈશ? 3 મારાં આંસુ રાતદિવસ મારો આહાર થયાં છે; તેઓ આખો દિવસ મને કહે છે, “તારો ઈશ્વર ક્યાં છે?” 4 હું લોકોના ટોળા સાથે જતો, અને પર્વ પાળનારા લોકોના સમુદાયને આનંદોત્સવમાં, સ્તુતિના નાદ સાથે, ઈશ્વરના મંદિરમાં દોરી જતો, એ વાતો યાદ કરું છું ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે. 5 હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? અને મારામાં તું કેમ ગભરાયો છે? ઈશ્વરની આશા રાખ; કેમ કે તેમની કૃપાદષ્ટિની સહાયને માટે હું હજી તેમની સ્તુતિ કરીશ. 6 હે મારા ઈશ્વર, મારો આત્મા ઉદાસ થયો છે; માટે હું યર્દનના દેશથી, તથા હેર્મોન [પર્વતો] પરથી [તથા] મિઝાર ડુંગર પરથી તમારું સ્મરણ કરું છું. 7 તમારા ધોધના અવાજથી ઊંડાણને ઊંડાણ હાંક મારે છે; તમારાં સર્વ મોજાં તથા છોળો મારા પર ફરી વળ્યાં છે. 8 દિવસે યહોવા પોતાની વત્સલતા દર્શાવતા, અને રાત્રે હું તેમનું ગીત ગાતો, એટલે મારા જીવનદાતા ઈશ્વરની પ્રાર્થના કરતો. 9 ઈશ્વર મારા ખડક છે, તેમને હું કહીશ, “તમે મને કેમ વીસરી ગયા છો? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?” 10 “તારો ઈશ્વર ક્યાં છે?” એમ દરરોજ મને કહીને મારા શત્રુઓ જાણે કે મારાં હાડકાં કચરી નાખતા હોય તેમ મને મહેણાં મારે છે. 11 હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ગભરાયો છે? તું ઈશ્વરની આશા રાખ; કેમ કે જે મારા મુખનું તારણ તથા મારા ઈશ્વર છે, તેમનું હું હજી સ્તવન કરીશ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India