ગીતશાસ્ત્ર 41 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)બીમારીમાંથી છુટકારા માટે પ્રાર્થના મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. 1 જે દરિદ્રીની ચિંતા રાખે છે તેને ધન્ય છે; સંકટને સમયે યહોવા તેને છોડાવશે. 2 યહોવા તેનું રક્ષણ કરશે તથા તેને જીવતો રાખશે. તે પૃથ્વી પર સુખી થશે. પ્રભુ, તેને તમે તેના શત્રુઓની ઇચ્છાને સ્વાધીન ન કરશો. 3 બીમારીના બિછાના પર યહોવા તેનો આધાર થશે; તેની માંદગીમાં આખી પથારી તમે બિછાવો છો. 4 મેં કહ્યું, “હે યહોવા, મારા પર દયા કરો; મારા આત્માને સાજો કરો, કેમ કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.” 5 મારા શત્રુઓ મારી વિરુદ્ધ બોલે છે. [ને કહે છે કે,] “તે ક્યારે મરશે, અને તેના નામનો નાશ ક્યારે થશે?” 6 જો તે [મને] મળવા આવે તો તે જૂઠું બોલે છે; તેનું હ્રદય અન્યાયનો સંગ્રહ કરે છે; જ્યારે તે બહાર જાય છે ત્યારે તે [બધું] જાહેર કરે છે. 7 મારા સર્વ દ્વેષીઓ મારી વિરુદ્ધ અંદરોઅંદર કાનમાં વાતો કરે છે. તેઓ મારી વિરુદ્ધ ઉપદ્રવ કલ્પે છે. 8 [તેઓ કહે છે કે,] “એક અસાધ્ય રોગ તેને સજડ લાગ્યો છે; અને હવે તે ખાટલે પડ્યો એટલે પાછો ઊઠવાનો નથી.” 9 હા, મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો, જે મારી રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે. 10 પણ, હે યહોવા, તમે મારા પર દયા કરો, અને મને ઉઠાડો કે, હું તેઓનો પ્રતિકાર કરું. 11 મારો શત્રુ મારા પર જયજયકાર કરતો નથી, તેથી હું જાણું છું કે તમે મારા પર પ્રસન્ન છો. 12 તમે મને મારા નિર્દોષપણામાં સ્થિર રાખો છો. અને તમારી હજૂરમાં મને સર્વકાળ રાખો છો. 13 અનાદિકાળથી તે અનંતકાળ માટે ઇઝરાયલના ઈશ્વર યહોવા સ્તુત્ય હો. આમીન તથા આમીન. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India