Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


સ્તુતિ ગાન
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.

1 મેં ધીરજથી યહોવાની રાહ જોઈ; અને તેમણે કાન દઈને મારી અરજ સાંભળી.

2 તેમણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢયો. તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા, અને મારાં પગલાં સ્થિર કર્યાં.

3 તેમણે નવું ગીત, એટલે આપણા ઈશ્વરનું સ્તોત્ર, મારા મુખમાં મૂકયું છે; ઘણા તે જોશે અને બીશે, અને યહોવા પર ભરોસો રાખશે.

4 જે માણસ યહોવા પર ભરોસો રાખે છે, અને અહંકારીને તથા સત્ય માર્ગથી ફરી જનાર જૂઠાને ગણકારતો નથી, તેને ધન્ય છે.

5 હે યહોવા મારા ઈશ્વર, તમારાં આશ્ચર્યકારક કાર્યો, તથા અમારા સંબંધી તમારા વિચારો [એટલાં બધાં] છે, કે તેઓને તમારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહિ; જો હું તેઓને જાહેર કરીને તેઓ વિષે બોલું, તો તેઓ અસંખ્ય છે.

6 તમને યજ્ઞ તથા ખાદ્યાર્પણની અપેક્ષા નથી; તમે મારા કાન ઉઘાડયા છે; દહનીયાર્પણ તથા પાપાર્થાર્પણ તમે માગ્યાં નથી.

7 તેથી મેં કહ્યું, “જુઓ, હું આવ્યો છું”; પુસ્તકમાં મારે વિષે લખેલું છે,

8 ‘હે મારા ઈશ્વર, તમારી ઇચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું; તમારો નિયમ મારા હ્રદયમાં છે.’

9 મહા મંડળીમાં મેં [તમારા] ન્યાયીપણાની વાત પ્રગટ કરી છે; મેં મારા હોઠો બંધ કર્યા નથી. હે યહોવા, તે તમે જાણો છો.

10 મેં મારા હ્રદયમાં તમારું ન્યાયીપણું સંતાડી મૂક્યું નથી. મેં તમારું વિશ્વાસુપણું તથા તારણ પ્રગટ કર્યાં છે; તમારી કૃપા તથા સત્યતા મેં મહામંડળીથી છુપાવી રાખી નથી.

11 હે યહોવા, તમારી કૃપાદષ્ટિ મારાથી પાછી ન રાખો; તમારી કૃપા તથા સત્યતા નિરંતર મારું રક્ષણ કરો. મદદ માટે યાચના


મદદ માટે યાચના

12 કેમ કે અગણિત આપદાઓએ મને ઘેરી લીધો છે, મારા અન્યાયોએ મને પકડી પાડયો છે, તેથી હું ઊંચું જોઈ શકતો નથી. તેઓ મારા માથાના વાળ કરતાં વધારે છે, અને મારું હ્રદય નિર્ગત થયું છે.

13 હે યહોવા, કૃપા કરીને મને છોડાવો; હે યહોવા, મને સહાય કરવાને ઉતાવળ કરો.

14 જેઓ મારા આત્માનો નાશ કરવાને મથે છે તેઓ સર્વ ફજેત થાઓ અને ત્રાસ પામો; અને જેઓને મારા નુકસાનથી સંતોષ થાય છે તેઓ પાછા હઠો અને આબરૂહીન થાઓ.

15 જેઓ મને “આહા, આહા” કહે છે, તેઓ પોતાની શરમભરેલી ચાલના બદલામાં પાયમાલ થાઓ.

16 જે સર્વ તમને શોધે છે તેઓ તમારાથી હર્ષ પામો તથા આનંદ કરો; જેઓ તમારું તારણ ચાહે છે તેઓ નિરંતર કહો, “યહોવા મોટા મનાઓ!”

17 પરંતુ હું દીન તથા દરિદ્રી છું, [તો પણ] પ્રભુ મારી ચિંતા કરશે. હે મારા ઈશ્વર, તમે મારા સહાયકારી તથા છોડાવનાર છો; તમે વિલંબ ન કરો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan