ગીતશાસ્ત્ર 39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)દુ:ખીની કબૂલાત મુખ્ય ગવૈયા યદૂથૂન માટે. દાઉદનું ગીત. 1 મેં કહ્યું, “હું મારા માર્ગોને સંભાળીશ કે, હું મારી જીભે પાપ ન કરું. દુષ્ટો મારી આગળ હોય ત્યાં સુધી હું મારું મુખ લગામથી કબજે રાખીશ.” 2 હું મૂંગો થઈને છાનો રહ્યો, ખરું બોલવાથી પણ હું છાનો રહ્યો; અને મારો શોક વધી ગયો. 3 મારું હ્રદય મારામાં તપી ગયું; મારા વિચારોનો અગ્નિ સળગી ઊઠયો. તેથી હું મારી જીભે બોલ્યો, 4 “હે યહોવા, મારો અંત [ક્યારે છે] ? તથા મારા આયુષ્યનું માપ કેટલું છે, તે મને જણાવો; હું કેવો ક્ષણભંગુર છું તે મને સમજાવો.” 5 તમે મારા દિવસ મૂઠીભર કર્યા છે! મારું આયુષ્ય તમારી આગળ શૂન્ય જેવું છે; ખરેખર, ઉચ્ચ સ્થિતિનું માણસ પણ વ્યર્થ છે. 6 નિશ્ચે દરેક માણસ આભાસરૂપે હાલેચાલે છે; નિશ્ચે તે મિથ્યા ગભરાય છે; તે સંગ્રહ કરે છે, અને તે કોણ ભોગવશે એ તે જાણતો નથી. 7 હવે, પ્રભુ, હું શાની વાટ જોઉં? મારી આશા તમારા પર છે. 8 મારા સર્વ અપરાધોથી મારો છૂટકો કરો, મૂર્ખો મારી મશ્કરી કરે, એવું થવા ન દો. 9 હું મૂંગો રહ્યો હતો, મેં મારું મુખ ઉઘાડયું નહિ; કેમ કે તમે જ એ કર્યું. 10 તમારી [મોકલેલી] આફત મારાથી દૂર કરો; તમારા હાથના ધક્કાથી મારો ક્ષય થાય છે. 11 તમે માણસને તેના અન્યાયને કારણે ઠપકાથી શિક્ષા કરો છો, ત્યારે તમે તેની સુંદરતાનો પતંગિયાની જેમ નાશ કરી દો છો; નિશ્ચે દરેક માણસ વ્યર્થ છે. (સેલાહ) 12 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, મારી અરજ પર કાન ધરો; મારાં આંસુ જોઈને ચૂપ બેસી ન રહો; કેમ કે હું તમારી સાથે પ્રવાસી તરીકે છું, મારા સર્વ પિતૃઓની જેમ હું પણ મુસાફર છું. 13 હું અહીંથી જાઉં, અને હતો ન હતો થાઉં તે પહેલાં તમારી કરડી નજર મારા પરથી દૂર કરો કે, હું બળ પામું. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India