ગીતશાસ્ત્ર 34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પ્રભુની ભલાઈનાં ગુણગાન દાઉદનું [ગીત] ; તેણે અબીમેલેખની આગળ ગાંડાઈનો ઢોંગ કર્યો, અને એણે તેને કાઢી મૂકયાથી તે જતો રહ્યો, તે વખતનું. 1 હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ; મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે. 2 મારો આત્મા યહોવાને લીધે વડાઈ કરશે; દીન લોકો તે સાંભળીને આનંદ કરશે. 3 મારી સાથે યહોવાને મોટા માનો, અને આપણે એકઠાં મળીને તેમનું નામ બુલંદ માનીએ. 4 મેં યહોવાનો શોધ કર્યો, અને તેમણે મને ઉત્તર આપ્યો, અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો. 5 તેમની તરફ જુઓ અને પ્રકાશ પામો; એટલે તમારાં મુખ કદી ઝંખવાણાં પડશે નહિ. 6 આ કંગાલ પુરુષે પોકાર કર્યો, અને યહોવાએ તેનું સાંભળીને તેનાં સર્વ સંકટમાંથી તેને બચાવ્યો. 7 યહોવાના ભક્તોની આસપાસ તેમનો દૂત છાવણી કરે છે, અને તેમને છોડાવે છે. 8 અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે; જે માણસ તેમના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. 9 યહોવાના સંતો, તેમનું ભય રાખો; કેમ કે તેમનું ભય રાખનારાને કંઈ ખોટ પડતી નથી. 10 સિંહનાં બચ્ચાંને તંગી પડે છે ને ભૂખ વેઠવી પડે છે; પણ જેઓ યહોવાને શોધે છે તેઓને કોઈ પણ સારા વાનાની અછત હોશે નહિ. 11 આવો, દીકરાઓ, મારું સાંભળો; હું તમને યહોવાનું ભય રાખતાં શીખવીશ. 12 કયો માણસ [લાંબી] જિંદગી ઇચ્છે છે? તથા શુભ જોવાને માટે દીર્ઘાયુષ્ય ચાહે છે? 13 તો ભૂંડું [બોલવા] થી તારી જીભને, અને કપટથી તારા હોઠને સંભાળ. 14 ભૂંડાથી દૂર થા, અને ભલું કર; શાંતિ શોધ અને તેની પાછળ લાગ. 15 ન્યાયીઓ પર યહોવાની કૃપાદષ્ટિ છે, તેઓની અરજ પ્રત્યે તેમના કાન [ઉઘાડા] છે. 16 જેઓ ભૂંડું કરે છે તેઓનું સ્મરણ પૃથ્વી ઉપરથી નાબૂદ કરવાને માટે યહોવાનું મુખ તેઓની વિરુદ્ધ છે. 17 [ન્યાયીઓએ] પોકાર કર્યો, અને યહોવાએ સાંભળીને સર્વ સંકટમાંથી તેઓને છોડાવ્યા. 18 આશાભંગ થએલાઓની પાસે યહોવા છે, અને નમ્ર આત્માવાળાને તે તારે છે. 19 ન્યાયી માણસને માથે ઘણાં દુ:ખ આવે છે; પણ યહોવા તે સર્વમાંથી તેને છોડાવે છે. 20 તે તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે; તેઓમાંનું એકે ભાંગવામાં આવતું નથી. 21 દુષ્ટોનો સંહાર પોતાની ભૂંડાઈથી થશે; અને ન્યાયીઓના દ્વેષીઓ દોષિત ઠરશે. 22 યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે; તેમના પર ભરોસો રાખનારાઓમાંથી એકે દોષિત ઠરશે નહિ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India