ગીતશાસ્ત્ર 31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)વિશ્વાસની પ્રાર્થના મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. 1 હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું; મારી લાજ કદી પણ જવા દેતા નહિ. તમારા ન્યાયીપણાથી મારું રક્ષણ કરો. 2 મારી તરફ તમારો કાન ધરો; ઉતાવળે મને છોડાવો; તમે મારે માટે મજબૂત ગઢ તથા મારા બચાવને માટે કિલ્લો થાઓ. 3 કેમ કે તમે મારો ખડક તથા કિલ્લો છો. માટે તમારા નામની ખાતર મને માર્ગ બતાવો અને તે પર ચલાવો. 4 મારે માટે જે જાળ તેઓએ ગુપ્ત રીતે પાથરી છે તેમાંથી મને કાઢો; કેમ કે તમે મારો આશ્રય છો. 5 હું તમારા હાથમાં મારો આત્મા સોંપું છું. હે યહોવા, સત્યના ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કર્યો છે. 6 મિથ્યા વાત પર લક્ષ આપનારાઓને હું ધિક્કારું છું; પણ હું યહોવા પર ભરોસો રાખું છું. 7 હું તમારી દયાથી આનંદ કરીશ તથા હરખાઈશ; કેમ કે તમે મારું દુ:ખ જોયું છે. તમે મારા આત્માની વિપત્તિઓ જાણી છે; 8 અને તમે શત્રુઓના હાથમાં મને કેદ થવા દીધો નથી; તમે વિશાળ જગા પર મારા પગ સ્થિર કર્યા છે. 9 હે યહોવા, મારા પર દયા કરો, કેમ કે હું સંકટમાં છું; ખેદથી મારી આંખ, મારો પ્રાણ તથા મારું શરીર ક્ષીણ થાય છે. 10 કેમ કે સંતાપથી મારી જિંદગી તથા નિસાસાથી મારાં વર્ષ વહી જાય છે; મારા અન્યાયથી મારું બળ ઘટે છે અને મારાં હાડકાં ક્ષીણ થાય છે. 11 મારા સર્વ વેરીઓ મને મહેણાં મારે છે, હા, મારા પડોશીઓ તો મને અતિશય [મહેણાં મારે છે] , અને મારા ઓળખીતાઓને મારું ભય લાગે છે. જેઓ મને બહાર જુએ છે તેઓ મને જોઈને નાસી જાય છે. 12 સ્મરણમાંથી લોપ થયેલા મરેલાની માફક તેઓ મને ભૂલી જાય છે. હું ફૂટેલા વાસણ જેવો છું. 13 કેમ કે મેં ઘણાને મુખે [મારી] બદનક્ષી સાંભળી છે, ચારે તરફ ધાસ્તી છે; તેઓ ભેગા થઈને મારી વિરુદ્ધ મસલત કરે છે, અને મારો જીવ લેવાની યુક્તિ રચે છે. 14 પણ, હે યહોવા, મને તમારો વિશ્વાસ છે; મેં કહ્યું, “તમે મારા ઈશ્વર છો.” 15 મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે. મારા શત્રુઓના હાથમાંથી તથા મને સતાવનારાઓથી મને છોડાવો. 16 તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો, તમારી કૃપાથી મને તારો. 17 હે યહોવા, મારી લાજ જવા દેતા નહિ; કેમ કે મેં તમને વિનંતી કરી છે; દુષ્ટો લજવાઓ, અને તેઓ શેઓલમાં છાનામાના પડી રહો. 18 જે જૂઠા હોઠ ન્યાયી માણસોની વિરુદ્ધ ગર્વથી તથા તિરસ્કારથી અભિમાનથી ભરેલી વાત બોલે છે તે મૂંગા થાઓ. 19 જે ઉદારતા તમે તમારા ભક્તોને માટે રાખી મૂકી છે, તથા તમારા પર ભરોસો રાખનારાને માટે મનુષ્યોની આગળ તમે દર્શાવી છે, તે કેટલી મોટી છે! 20 માણસના કાવતરાંથી તમારી હજૂરના આચ્છાદાન વડે તમે તેઓને ઢાંકીને બચાવશો; જીભના કંકાસથી તમે તેઓને માંડવામાં સંતાડી રાખશો. 21 યહોવાને ધન્ય છે! કેમ કે તેમણે કોટબંધ નગરમાં મને [રાખીને] પોતાની આશ્ચર્યકારક કૃપા દેખાડી છે. 22 મેં તો મારી અધીરતાથી કહી દીધું, “તમે તમારી દષ્ટિ આગળથી મને દૂર કર્યો છે.” તોપણ મેં તમને અરજ કરી ત્યારે તમે મારા કાલાવાલા સાંભળ્યા. 23 હે યહોવાના સર્વ ભક્તો, તેમના પર પ્રેમ રાખો. યહોવા વિશ્વાસુઓનું રક્ષણ કરે છે, અને અહંકારથી કામ કરનારને પુષ્કળ બદલો આપે છે. 24 હે યહોવાની આશા રાખનારા, તમે સર્વ બળવાન થાઓ, અને તમારાં હ્રદય હિમ્મત પકડો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India