ગીતશાસ્ત્ર 30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)આભારસ્તુતિ ઘરની પ્રતિષ્ઠા કરતી વખતનું ગાયન દાઉદનું [ગીત]. 1 હે યહોવા, હું તમને મોટા માનીશ; કેમ કે તમે મારો અભ્યુદય કર્યો છે, અને મારા શત્રુઓને મારા પર હર્ષ પામવા દીધા નથી. 2 હે મારા ઈશ્વર યહોવા, મેં તમને અરજ કરી, અને તમે મને સાજો કર્યો છે. 3 હે યહોવા, તમે મારા જીવને શેઓલમાંથી કાઢી લાવ્યા છો; પણ તમે મને જીવતો રાખ્યો છે, તમે મને કબરમાં પડવા દીધો નથી. 4 હે યહોવાના ભક્તો, તેમનાં સ્તોત્ર ગાઓ, અને તેમના પવિત્ર નામની અભારસ્તુતિ કરો. 5 કેમ કે તેમનો કોપ માત્ર ક્ષણિક છે; પણ તેમની મહેરબાની જિંદગીભર છે. રુદન રાતપર્યંત રહે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે. 6 હું સુખમાં હતો ત્યારે મેં કહ્યું, “હું કદી ડગીશ નહિ.” 7 હે યહોવા, તમે તમારી મહેરબાનીથી મારા પર્વતને અચળ કર્યો છે; તમે તમારું મુખ ફેરવ્યું કે, હું ભયભીત થયો. 8 હે યહોવા, મેં તમને અરજ કરી; અને મેં તમારી યાચના કરી કે, 9 “ [જો] હું કબરમાં જાઉં તો મારા મરણથી શો લાભ થાય? શું ધૂળ તમારી સ્તુતિ કરશે? શું તે તમારું સત્ય પ્રગટ કરશે? 10 હે યહોવા, સાંભળો, અને મારા પર દયા કરો; હે યહોવા, તમે મારા સહાયકારી થાઓ. 11 તમે મારા વિલાપને બદલે મને નૃત્ય આપ્યું છે; તમે મારું ટાટ ઉતારીને મને ઉત્સાહથી વેષ્ટિત કર્યો છે. 12 જેથી મારું ગૌરવ તમારાં સ્તોત્ર ગાય, અને ચૂપ રહે નહિ. હે યહોવા મારા ઈશ્વર, હું સદાકાળ તમારી આભારસ્તુતિ કરીશ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India