ગીતશાસ્ત્ર 29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)આંધીમાં ઈશ્વરનો અવાજ દાઉદનું ગીત. 1 હે પરાક્રમી દૂતો, યહોવાને આપો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાને આપો. 2 યહોવાના નામનું ગૌરવ તેમને આપો; પવિત્રતાની શોભા [ધારણ કરીને] યહોવાને ભજો. 3 યહોવાનો સાદ પાણી પર [ગાજે] છે, ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે, હા, યહોવા ઘણા પાણી પર [ગર્જના કરે છે]. 4 યહોવાનો સાદ સમર્થ છે; યહોવાનો સાદ માહાત્મ્યથી ભરપૂર છે. 5 યહોવાનો સાદ દેવદારોને ભાંગી નાખે છે; હા, યહોવા લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે. 6 વળી તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે; જંગલી ગોધાના બચ્ચાની જેમ તે લબાનોન તથા સિર્યોનને [કુદાવે છે]. 7 યહોવાનો સાદ અગ્નિની જ્વાળાને ભેદે છે. 8 યહોવાનો સાદ અરણ્યને ધ્રુજાવે છે; યહોવા કાદેશના અરણ્યને ધ્રુજાવે છે. 9 યહોવાના સાદથી હરણીઓના ગર્ભ ગળી જાય છે અને ઝાડીઓનાં ડાળાંપાંખડાં તૂટી પડે છે. અને તેમના મંદિરમાં સર્વ કહે છે, “પ્રભુને મહિમા હો!” 10 યહોવા, જળપ્રલય સમયે બિરાજ્યા હતા; વળી યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે. 11 યહોવા પોતાના લોકને સામર્થ્ય આપશે; યહોવા પોતાના લોકને શાંતિનો આશીર્વાદ આપશે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India